ICC મહિલા ODI વર્લ્ડકપ 2025 30 સપ્ટેમ્બરથી ભારતીય ધરતી પર રમાશે. જેની ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. ICC આ ટુર્નામેન્ટને લઈને મોટા દાવા કરી રહ્યું હતું.
વર્લ્ડકપ 2025ને લઈને જય શાહે હવે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ICCએ આ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ગયા વખતની સરખામણીમાં ઈનામી રકમમાં 297 ટકાનો વધારો થયો છે.
ICC એ ઈનામી રકમમાં 297 ટકાનો કર્યો વધારો
8 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ હવે 13.88 મિલિયન યુએસ ડોલર (લગભગ 122 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. 2022માં ન્યુઝીલેન્ડની ધરતી પર રમાયેલા વર્લ્ડકપમાં ઈનામી રકમ 3.5 મિલિયન યુએસ ડોલર હતી.
https://twitter.com/CricCrazyJohns/status/1962410258367910170
જય શાહે ઈનામી રકમમાં 297 ટકાનો વધારો કરીને મહિલા વર્લ્ડકપને વધુ મોટો બનાવ્યો છે. ભારતની ધરતી પર રમાયેલા મેન્સ વનડે વર્લ્ડ કપ 2023માં પણ ઈનામી રકમ માત્ર 10 મિલિયન યુએસ ડોલર હતી. આ પહેલા જય શાહે ICC ઈવેન્ટ્સમાં પુરુષો અને મહિલાઓ બંનેના પગારની બરાબરી કરી હતી.
વિજેતા ટીમને મળશે 39 કરોડ રૂપિયા
જો આ ઈનામી રકમ વહેંચવામાં આવે તો વિજેતા ટીમને કુલ 4.48 મિલિયન યુએસ ડોલર (લગભગ 39 કરોડ રૂપિયા) મળશે. ફાઈનલમાં હારનારી ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.77 કરોડ રૂપિયા) મળશે. આ સિવાય અન્ય બે સેમીફાઈનલ ટીમોને પણ 1.12 મિલિયન ડોલર (લગભગ 9.88 કરોડ રૂપિયા) આપવામાં આવશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને 250,000 ડોલર મળશે. લીગ સ્ટેજમાં દરેક મેચ જીતનાર ટીમને 34,314 ડોલર મળશે. 5મા અને 6ઠ્ઠા ક્રમે રહેનાર ટીમને 700,000 ડોલર મળશે જ્યારે 7મા અને 8મા ક્રમે રહેનાર ટીમને ICC તરફથી 280,000 ડોલર મળશે.