WPL 2026 સીઝનની છઠ્ઠી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચ્યો છે. તે WPLમાં 1,000 રન બનાવનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી અને આમ કરનારી બીજી મહિલા ખેલાડી બની છે.


હરમનપ્રીત કૌર WPLમાં 1000 રન કર્યા પૂર્ણ

હરમનપ્રીત કૌરે WPL માં અત્યાર સુધીમાં 30 મેચોની 29 ઈનિંગમાં 1016 રન બનાવ્યા છે. તેને ગુજરાત જાયન્ટ્સ સામેની મેચમાં અણનમ 71 રન બનાવીને 1000 રન પૂરા કર્યા છે, તે આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી ભારતીય બની. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં 1000 રન બનાવનારી બીજી ખેલાડી પણ બની છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની નેટ સીવર બ્રન્ટે આ ટુર્નામેન્ટમાં 1000 થી વધુ રન બનાવ્યા છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી હજુ સુધી આ સિદ્ધિ હાંસલ કરી શકી નથી. હવે આ લિસ્ટમાં હરમનપ્રીત કૌરનું નામ જોડાયું છે.

હરમનપ્રીત સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી

હરમનપ્રીત કૌર ગુજરાત સામેની મેચમાં અડધી સદી ફટકારીને WPLમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની છે. તેને મેગ લેનિંગના 996 રન અને એલિસ પેરીના 972 રનને પાછળ છોડ્યા છે. શેફાલી વર્મા આ લિસ્ટમાં પાંચમા નંબરે છે, તેને 29 મેચમાં 887 રન બનાવ્યા છે.


મુંબઈની શાનદાર જીત

મુંબઈની શરૂઆત સારી રહી ન હતી, ટીમે 5 ઓવરમાં ફક્ત 37 રનમાં બંને ઓપનરો ગુમાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ અમનજોત કૌર અને કેપ્ટન કૌરે બાજી સંભાળી. બંનેએ સાથે મળીને માત્ર 44 બોલમાં 72 રનની ધમાકેદાર પાર્ટનરશીપ કરી. યુવા ઓલરાઉન્ડર અમનજોત કૌરે 40 રન બનાવ્યા. પરંતુ તેના આઉટ થયા પછી હરમનપ્રીતે પોતાનો અભિગમ બદલ્યો અને નિકોલા કેરીનો સાથ આપતાં આક્રમણ શરૂ કર્યું.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નિકોલા કેરી, જે સિઝનની પહેલી મેચથી સારી બેટિંગ કરી રહી છે, તેણે એક જ ઓવરમાં 4 ચોગ્ગા ફટકારીને મેચ મુંબઈના પક્ષમાં ફેરવી દીધી. ત્યાંથી બંનેએ બાઉન્ડ્રી ફટકારવાનું ચાલુ રાખ્યું અને ટીમે આખરે 19.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધું. કેરી અને કૌરે ચોથી વિકેટ માટે 84 રનની અણનમ પાર્ટનરશીપ કરી. હરમનપ્રીત 43 બોલમાં 71 રન સાથે અણનમ રહી, જ્યારે કેરી 23 બોલમાં 38 રન પર અણનમ રહી.

આ પણ વાંચો: World Cup 2026 બે દિવસમાં થશે શરૂ, પહેલી જ મેચમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા

  • Follow us on: