વિમેન્સ પ્રીમિયર લીગ 2026 શરૂ થાય તે પહેલાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે 25 વર્ષની ભારતીય સ્ટાર બેટ્સમેન જેમીમા રોડ્રિગ્સને દિલ્હી કેપિટલ્સની કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. આગામી સીઝનમાં દિલ્હીની ટીમ જેમીમાની કેપ્ટનશીપ હેઠળ રમતી જોવા મળશે. WPL 2026 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. મેગ લેનિંગે અત્યાર સુધી રમાયેલી ત્રણ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે.

જેમીમાએ WPLમાં 500 થી વધુ રન બનાવ્યા

25 વર્ષની જેમીમા WPLમાં દિલ્હીની પહેલી ખેલાડી હતી. તે હવે ટીમનો મુખ્ય ભાગ બની ગઈ છે, તેને ૨૭ મેચમાં 139.66ના સ્ટ્રાઈક રેટથી 507 રન બનાવ્યા છે. તાજેતરમાં જેમીમાએ ODI વર્લ્ડકપ 2025ની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી.

જેમીમા રોડ્રિગ્ઝે મેચવિનિંગ ઈનિંગે ભારતને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં મદદ કરી હતી. તે હાલમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની T20I સિરીઝનો ભાગ છે, તેણે પહેલી T20Iમાં અણનમ 69 રન બનાવ્યા હતા.

https://twitter.com/wplt20/status/2003445147569426764

મેગ લેનિંગની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી

મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ ટીમ 3 વખત ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હવે ટીમનો ભાગ નથી. મેગા ઓક્શનમાં યુપી વોરિયર્સ ફ્રેન્ચાઈઝ દ્વારા તેને સાઈન કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ પણ ટીમનો ભાગ હોવા છતાં ફ્રેન્ચાઈઝીએ એક ભારતીય ખેલાડીને પ્રાથમિકતા આપી અને જેમીમાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે જેમીમાએ આ પહેલા ક્યારેય ટીમ ઈન્ડિયા કે WPL ની કેપ્ટનશીપ કરી નથી.

દિલ્હીની ટીમ WPLની આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરવા માગશે

મેગા ઓક્શન દરમિયાન જ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે તેઓ આ સિઝનમાં એક ભારતીય ખેલાડીને કેપ્ટન તરીકે ઈચ્છે છે. તેમણે ઓક્શન દરમિયાન કહ્યું હતું કે "અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે અમને એક ભારતીય કેપ્ટન જોઈએ છે અને અમે અમારું મન બનાવી લીધું છે." જેમીમા 2023થી દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે છે અને તેને 2026 સીઝન માટે શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કપ અને અનકેપ્ડ ખેલાડી નિક્કી પ્રસાદ સાથે રિટેન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Rohit Sharma અને વિરાટ પછી આ દિગ્ગજ ખેલાડી વિજય હજારે ટ્રોફીમાં લેશે ભાગ!