• મેચ પહેલાં પાકિસ્તાની ટીમને મોટો ફટકો પડયો

  • બન્ને ટીમના પેસ એટેક વચ્ચે રોમાંચક મુકાબલાની સંભાવના,
  • અનુભવી બેટ્સમેન ફખર ઝમાન આ મેચમાંથી બહાર થઈ ગયો છે

આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ગુરુવારે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ-1નો મહત્ત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે પરંતુ આ મેચ પહેલાં પાકિસ્તાની ટીમને મોટો ફટકો પડયો છે. તેનો અનુભવી બેટ્સમેન ફખર ઝમાન આ મેચમાંથી બહાર થઈ ગયો છે અને તેનું બાકીની મેચોમાં રમવું પણ શંકાસ્પદ બન્યું છે. પાકિસ્તાની ટીમના તબીબ અને પીસીબીના મુખ્ય મેડિકલ ઓફિસર નજીવ સૂમરોએ જણાવ્યું હતું કે ખેલાડી અને મેનેજમેન્ટ ફખરને ટીમમાં સામેલ કરવાથી કયા જોખમો રહેશે તેનાથી માહિતગાર હતા. સાત સપ્તાહ પહેલાં એશિયા કપ દરમિયાન ફખરને ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેમાંથી મુક્ત થવા માટે લાંબો સમય લાગતો હોય છે. પાકિસ્તાની ટીમે સુપર-12માં ત્રણમાંથી એક મેચ જીતી છે અને તેને બે મુકાબલામાં પરાજયનો સામનો કરવો પડયો હતો. પાકિસ્તાનને ભારત સામે પરાજય મળ્યા બાદ ઝિમ્બાબ્વેએ પણ હરાવ્યું હતું. ત્યારબાદ બાબર આઝમની ટીમે નેધરલેન્ડ્સ સામે વિજય મેળવીને બે પોઇન્ટ હાંસલ કર્યા હતા. સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની આશાને જીવંત રાખવા માટે પાકિસ્તાને કોઈ પણ ભોગે સાઉથ આફ્રિકાને હરાવવું પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત પાકિસ્તાની બીજી ટીમોના પરિણામ પોતાની તરફેણમાં આવે તેવી આશા રાખવી પડશે. બન્ને ટીમ ટી20 વર્લ્ડ કપમાં ત્રણ વખત આમનેસામને થઈ છે અને તમામમાં પાકિસ્તાન જીત્યું છે.

પાકિસ્તાને હવે બાકીની બંને મેચ જીતવી પડે તેમ છે. તેણે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ બાંગ્લાદેશ સામે કોઇ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે. ત્યારબાદ તેણે સાઉથ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ્સ સામે હારી જાય તેવી આશા રાખવી પડશે. જો આ શક્ય બને તો પાકિસ્તાન પાસે ત્રણ વિજય સાથે છ પોઇન્ટ થશે. બીજી તરફ સાઉથ આફ્રિકા બે વિજય અને રદ થયેલી એક મેચના કારણે પાંચ પોઇન્ટ સુધી જ રહેશે.


  • Follow us on: