- ઓપ્ટસ સ્ટેડિયમની પિચ ઉપરની એક્સ્ટ્રા પેસ તથા બાઉન્સ બેટ્સમેનો માટે પડકારરૂપ બનશે
- રબાડાની સામે રોહિત, લોકેશ રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યપ્રકાશ યાદવની આકરી કસોટી થશે
- ભારત વિજયની હેટ્રિક નોંધાવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે, રાહુલના બદલે પંતને તક મળે તેવા સંકેત
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને સાઉથ આફ્રિકન ટીમ વચ્ચેનો મુકાબલો રોમાંચક થાય તેવી પૂરી સંભાવના છે. આ મેચમાં ફોર્મમાં રહેલા ભારતીય બેટ્સમેનોની આફ્રિકન પેસ બોલર્સ સામે આકરી કસોટી થશે. રોહિત શર્મા અને તેની ટીમ પોતાના વિજયની રિધમ જાળવી રાખીને ટૂર્નામેન્ટમાં વિજયની હેટ્રિક નોંધાવવા માટે મેદાનમાં ઊતરશે. આફ્રિકન ટીમ સામેનો મુકાબલો ભારત માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો ભારત પર્થમાં રમાનારી આ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી દેશે તો ગ્રૂપ-2માં પોતાનું ટોચનું સ્થાન વધારે મજબૂત કરશે અને સેમિફાઇનલમાં પહોંચવાની સ્થિતિ પણ મોટા ભાગે સ્પષ્ટ થઈ જશે. આ મુકાબલો સાંજે 4:30 કલાકથી રમાશે. વાકા ગ્રાઉન્ડ ઘણા સમર્થકો સુધી પર્થનું પરંપરાગત વેન્યૂ રહ્યું છે પરંતુ હવે પર્થમાં નવેસરથી તૈયાર કરવામાં આવેલા ઓપ્ટસ સ્ટેડિયમમાં આ મુકાબલો રમાશે. સ્ટેડિયમને ભલે બદલવામાં આવ્યું હોય પરંતુ પર્થની પિચે તેનો સ્વભાવ બદલ્યો નથી. અહીંની પિચમાં પેસ તથા એક્સ્ટ્રા બાઉન્સ છે જે બેટ્સમેનો માટે મોટા પડકાર સમાન બની રહી છે. આ સ્થિતિમાં વિશ્વના બે ખતરનાક પેસ બોલર એનરિચ નોર્તઝે અને રબાડાની સામે રોહિત, લોકેશ રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યપ્રકાશ યાદવની આકરી કસોટી થશે.
પેસ બોલર રબાડા 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલને સ્વિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. નોર્તઝે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. પાવરપ્લેની ઓવર્સમાં ભારતીય બેટ્સમેનોએ હેન્ડ એન્ડ આઇ કોર્ડિનેશનના તાલમેલ સાથે સ્કોરિંગ શોટ્સ રમવા પડશે. એક્સ્ટ્રા બાઉન્સના કારણે બેટ્સમેનો પાસે શોટ્સ રમવાની સમય પણ મળશે. લોકેશ રાહુલના કંગાળ ફોર્મના કારણે ભારત રિષભ પંતને રમાડે તેવા સંકેત મળ્યા છે પરંતુ કોચ દ્રવિડ હજુ પણ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાં રાખવા માગે છે. ભારત સામે સાઉથ આફ્રિકન ટીમ સ્પિનર તબરેઝ શમ્સીને બહાર રાખીને માર્કો જાનસેન અથવા લુંગી નગિડીને રમાડી શકે છે. આ ઉપરાંત ઓવર રેટ જાળવી રાખવા માટે બે સ્પિનર્સને પણ રમાડે તેવી સંભાવના છે.










