- અમારો ટાર્ગેટ પણ એડિલેડમાં ભારતની ગણતરી બગાડવાનો છે
- મેચની પૂર્વસંધ્યાએ બાંગ્લાદેશી સુકાનીનું આશ્ચર્યચકિત કરે તેવું નિવેદન
- ભારતને હરાવીને મેજર અપસેટ સર્જવા માટે મેદાનમાં ઉતરવાના છીએ
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં બુધવારે ભારત અને બાંગ્લાદેશનો મુકાબલો રમાવાનો છે. ભારતનો છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા સામે પરાજય થયો હતો. બાંગ્લાદેશની ટીમે ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. બન્ને ટીમ પાસે ચાર-ચાર પોઇન્ટ છે અને બુધવારની મેચ જીતવી બન્ને ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. મેચની પૂર્વસંધ્યાએ બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને આશ્ચર્યચકિત કરી દે તેવું નિવેદન કરીને જણાવ્યું હતું કે અમે અહીં ટી20 વર્લ્ડ કપ જીતવા માટે નથી આવ્યા. ભારત વર્લ્ડ કપ જીતવા માટે આવ્યું છે અને તે ફેવરિટ છે. અમે ભારતને હરાવીને મેજર અપસેટ સર્જવા માટે મેદાનમાં ઉતરવાના છીએ. જો અમારી ટીમ ભારતને હરાવશે તો આ મેચ મોટો અપસેટ થશે અને અમારો ટાર્ગેટ પણ એડિલેડમાં ભારતની ગણતરી બગાડવાનો છે.
સૂર્યકુમારની બેટિંગ અને અર્શદીપની બોલિંગના સંદર્ભમાં શાકિબે જણાવ્યું હતું કે સૂર્યકુમાર શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તે કોઈ પણ બોલને મેદાનના કોઈ પણ ખૂણામાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. તે વર્તમાન સમયના બેસ્ટ બેટ્સમેનોમાંનો એક છે. મેં અર્શદીપને પ્રથમ વખત આઇપીએલમાં રમતા જોયો હતો અને તે હવે વધારે સારી બોલિંગ કરી રહ્યો છે. અમે ટીમની બેઠકમાં ભારત સામેની મેચ અંગે પ્લાનિંગ કરીશું.










