- નેધરલેન્ડે આપેલા 246 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા 207 રનમાં ખખડયું
- લોગન વાન બીકે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી દક્ષિણ આફ્રિકન બેટિંગની કમર ભાંગી નાખી
- વરસાદના વિઘ્નને કારણે મેચ મોડી શરુ થતા ઓવરો કાપવામાં આવી હતી
નેધરલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન બાદ બીજો અપસેટ સર્જતા ટોપ ફોર્મમાં રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને કારમો પરાજય આપ્યો હતો. વિજય માટે 43 ઓવરમાં 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમે નેધરલેન્ડની બોલિંગને હળવાશથી લીધી હોય તેમ જણાતી હતી પરંતુ નેધરલેન્ડના બોલર્સે એકદમ ચુસ્ત લાઇનલેન્થ સાથે બોલિંગ કરીને નિયત સમયાંતરે દક્ષિણ આફ્રિકાની વિકેટો ખેરવી અપસેટ સર્જવાની સાથે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 42.5 ઓવરમાં 207 રને ઓલઆઉટ થઇ ગઇ હતી અને તેનો 38 રને પરાજય થયો હતો. નેધરલેન્ડ વતી લોગન વાન બીકે 8.5 ઓવરમાં 3, જ્યારે મીકેરન, વાન ડર મર્વ અને ડીલીડીએ બે-બે વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા વતી મિલર (43) અને કેશવ મહારાજ (40) સારો પ્રતિકાર કરી શક્યા હતા. આ પહેલા દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના વિઘ્નને કારણે મેચ મોડી શરુ થતા ઓવરો કાપવામાં આવી હતી અને મેચ 43-43 ઓવરની કરવામાં આવી હતી. નેધરલેન્ડની ટીમે પોતાની 43 ઓવરમાં આઠ વિકેટના ભોગે 245 રન બનાવીને દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 246 રનનું લક્ષ્યાંક મુક્યુ હતું. નેધરલેન્ડ ટીમની શરુઆત સારી રહી નહોતી. ટીમના ટોચના ક્રમના બેટ્સમેનો વિકેટ પર લાંબો સમય સુધી ટકવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે લોઅર ઓર્ડરના બેટ્સમેનો દ્વારા કરાયેલા નોંધપાત્ર પ્રદાન અને ટીમના સુકાની સ્કોટ એડવર્ડ્સ દ્વારા ફટકારાયેલા અણનમ 78 રનની મદદથી નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાની મજબૂત દેખાતી ટીમ સામે પડકારજનક સ્કોર ખડકવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. દક્ષિણ આફ્રિકા વતી લુંગી એન્ગિડી, માર્કો જાનસે અને કાસિગો રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે ગેરાલ્ડ કોત્ઝે અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.










