- વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન
- વોર્નરે શુક્રવારે પાકિસ્તાન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી
- ડેવિડ વોર્નરે અગાઉ માર્ક વૉનો રેકોર્ડ તોડયો હતો
ડેવિડ વોર્નર વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન કરનારો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે શુક્રવારે પાકિસ્તાન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ (1,085 રન) પણ તોડયો. વોર્નર વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી 1,100 રનનો આંકડો પાર કરનારો બીજો બેટ્સમેન છે. તેની આગળ માત્ર રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે વર્લ્ડકપમાં 1,743 રન કર્યા છે. આ અગાઉ વોર્નરે માર્ક વૉનો રેકોર્ડ તોડયો હતો. માર્ક વૉના વર્લ્ડકપમાં 1,004 રન હતા. મેથ્યૂ હેડન 987 રન સાથે પાંચમા ક્રમે છે. વોર્નર વનડે વર્લ્ડકપમાં 1,100 રનનો આંકડો પાર કરનારો 12મો ખેલાડી છે.
પાક. બોલર્સ પર આગની જેમ વરસ્યા વોર્નર અને માર્શ
વર્લ્ડકપ 2023ની 18મી લીગ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના ઓપનર્સ આગની જેમ વરસ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે પાકિસ્તાનના બોલિંગ એટેકના ધજાગરા ઉડાડી દીધા હતા અને બંને ઓપર્નસે શાનદાર સદી ફટકારી હતી. બંનેની સદીના જોરે ઓસ્ટ્રેલિયન ટીમે ઇતિહાસ રચી દીધો હતો. વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલીવાર આમ બન્યું છે જ્યારે કાંગારુ ટીમના બંને ઓપનર્સે સદી ફટકારી છે. વર્લ્ડકપના ઇતિહાસમાં આમ ચોથી વાર બન્યું છે જ્યારે કોઈપણ ટીમના બંને ઓપનર્સે સદી ફટકારી છે. તેની શરૂઆત 2011માં થઈ હતી, જ્યારે બે વાર તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગાએ ઝિમ્બાબ્વે અને કેન્યા સામે સદી ફટકારી હતી. 2019માં ભારત માટે ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ આ કમાલ કરી હતી. તેમણે શ્રીલંકા સામે ઓપનર તરીકે સદીની ઇનિંગો રમી હતી.
વર્લ્ડકપમાં બંને ઓપનર્સની સદી
- 2011: શ્રીલંકા (દિલશાન-144, થરંગા-133) વિરુદ્ધ ઝિમ્બાબ્વે
- 2011: શ્રીલંકા (દિલશાન-108, થરંગા અણનમ 102) વિરુદ્ધ કેન્યા
- 2019: ભારત (રાહુલ-111, રોહિત- 103) વિરુદ્ધ શ્રીલંકા
- 2023: ઓસ્ટ્રેલિયા (માર્શ-121, વોર્નર-163) વિરુદ્ધ પાકિસ્તાન