- મુંબઇ ઇન્ડિયન્સને 29 રનથી હરાવીને
- દિલ્હી કેપિટલ્સે પ્રથમ સ્થાન મજબૂત કર્યું
- દિલ્હીના ચાર વિકેટે 192 રન
દિલ્હી કેપિટલ્સે પોતાના ઘરઆંગણે શરૂ થયેલા વિમેન્સ પ્રીમિયર લીગ-2ના બીજા તબક્કાની પ્રથમ મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને 29 રનથી હરાવીને ટોચનું સ્થાન મજબૂત કર્યું હતું. દિલ્હીના ચાર વિકેટે 192 રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇની ટીમ આઠ વિકેટે 163 રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર મુંબઇની ટીમ માટે ઓપનર હેલી મેથ્યૂઝે 17 બોલમાં 29 તથા નીચલી હરોળમાં અમનજોત કૌરે 27 બોલમાં સાત બાઉન્ડ્રી વડે 42 રન બનાવ્યા હતા. દિલ્હી માટે મારિઝાના કેપે 37 રનમાં બે તથા જેસ જોનાસેને 21 રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી. અગાઉ શેફાલી વર્મા (28) તથા સુકાની મેગ લેનિંગે પ્રથમ વિકેટે 48 રનની ભાગીદારી નોંધાવીને દિલ્હી માટે આક્રમક શરૂઆત કરી હતી. લેનિંગે 38 બોલમાં છ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે 53 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં જેમિમા રોડ્રિગુઝે 33 બોલમાં આઠ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે સર્વાધિક 69 રન બનાવ્યા હતા.










