- રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામે 214 રનની ઇનિંગ રમી
- ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે યશસ્વી જયસ્વાલ પર ટિપ્પણી કરી
- ટિપ્પણી કરનાર ડકેટને તેમના પૂર્વ કેપ્ટન દ્વારા ઠપકો પડ્યો
યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન દેખાડયું હતું. તેણે 214 રનની અણનમ ઈનિંગ રમીને ઈંગ્લેન્ડના બોલરોને પછાડી દીધા હતા. આ તેની કારકિર્દીની બીજી બેવડી સદી હતી. આ ઇનિંગના આધારે ભારતે 500થી વધુ રનની લીડ મેળવી ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું. ભારત સામેની હાર બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે યશસ્વી જયસ્વાલ વિશે નિવેદન આપ્યું હતું. જેના માટે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને તેને ઠપકો આપ્યો છે.
ડકેટે જયસ્વાલ વિશે શું નિવેદન આપ્યું?
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન બેન ડકેટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વિચિત્ર ટિપ્પણી કરતા કહ્યું, 'જ્યારે તમે વિપક્ષી ટીમના ખેલાડીઓને આ રીતે રમતા જુઓ છો, ત્યારે એવું લાગે છે કે આપણે થોડો શ્રેય લેવો જોઈએ કે તેઓ બીજા લોકોની ટેસ્ટ ક્રિકેટ રમવાના અંદાજ કરતા કઈ રીતે પોતાના અંદાજે રમે છે. અમે ઉનાળામાં તેને અમુક અંશે જોયું અને અન્ય ખેલાડીઓ અને અન્ય ટીમોને ક્રિકેટની આક્રમક અંદાજમાં રમતા જોવું ખૂબ જ રોમાંચક છે. તે ઉભરતા સુપરસ્ટાર જેવો દેખાય છે. હાલમાં તેઓ ખૂબ જ સારા ફોર્મમાં છે. ડકેટના આ નિવેદન પર નાસિર હુસૈન બિલકુલ ખુશ દેખાતા ન હતા.
નાસીર હુસેન થયા નાખુશ
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ઈંગ્લેન્ડના બેન ડેસેટની , 'જયસ્વાલ અમારી પાસેથી શીખ્યા છે’ આ ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે, તેઓ તમારી પાસેથી શીખ્યા નથી. તે તેના ઉછેરમાંથી શીખ્યો છે અને મોટા થતાં તેણે જે મહેનત કરવી પડી હતી. તે IPLમાંથી શીખ્યો છે. જો કંઈપણ થશે, તો હું તે જોઈશ અને તેમાંથી શીખીશ. પૂર્વ કેપ્ટને એક પોડકાસ્ટ દરમિયાન પણ આ વાત કહી હતી.
યશસ્વીએ ફટકારી બેક ટુ બેક બેવડી સદી
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે 6 ઇનિંગ્સમાં 545 રન બનાવ્યા છે. સિરીઝમાં તે એકમાત્ર બેટ્સમેન છે જેણે 500+ રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે 2 બેવડી સદી ફટકારી છે. આ સાથે જ તેણે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનના ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. પોતાની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવતા યશસ્વીએ 214 રનની અણનમ ઇનિંગ રમી હતી.