- વિમ્બલ્ડન 2023 3જી જુલાઈના રોજ શરૂ થઈ હતી
- ટૂર્નામેન્ટમાં ટેનિસના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર મેચ જોવા મળે છે
- આ વખતે વિમ્બલ્ડનમાં ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુ પણ જોવા મળ્યું
સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટમાંની એક વિમ્બલ્ડન 2023 3જી જુલાઈના રોજ શરૂ થઈ હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટેનિસ વિશ્વના એકથી એક શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે શાનદાર મેચ જોવા મળે છે. આ વખતે વિમ્બલ્ડનમાં ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુ પણ જોવા મળ્યું છે. આ ગીત પર ડાન્સ કરી રહેલા વિશ્વના નંબર-1 અને નંબર-2 ટેનિસ પ્લેયર કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચનો ફોટો વિમ્બલ્ડનના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
નાટુ-નાટુ ગીત એ ભારતીય ફિલ્મ RRRના શ્રેષ્ઠ ગીતોમાંનું એક છે, જેને આ વર્ષના ઓસ્કાર એવોર્ડ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ મૂળ ગીતની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. તસવીરોમાં જે રીતે બંને ખેલાડીઓને એકસાથે બતાવવામાં આવ્યા છે તે જોઈને લાગે છે કે તેઓ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચે જીત સાથે શરૂઆત કરી
વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2023માં પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. પહેલી મેચમાં અલ્કારાઝનો મુકાબલો ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે હતો. અલ્કારાઝે ચાર્ડીને સીધા સેટમાં 6-0, 6-2 અને 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત વિમ્બલ્ડનમાં ભાગ લઈ રહ્યો છે. આ પહેલા તે ક્યારેય આ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડથી આગળ વધી શક્યો નથી.
વિશ્વના નંબર-2 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પણ વિમ્બલ્ડન 2023માં શાનદાર ડેબ્યૂ કર્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમી રહેલા નોવાક જોકોવિચે તેની પહેલી મેચમાં પી કાચિનને 6-3, 6-3 અને 7-6થી હરાવ્યો હતો.