બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતમાં દુલીપ ટ્રોફી 2024 રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆત ઈન્ડિયા A vs ઈન્ડિયા B અને ઈન્ડિયા C vs ઈન્ડિયા Dની મેચોથી થઈ હતી. જેમાં ઈન્ડિયા C અને ઈન્ડિયા D વચ્ચેની મેચ પૂર્ણ થઈ ગઈ છે.


જેમાં રૂતુરાજ ગાયકવાડની ટીમ ઈન્ડિયા Cનો વિજય થયો છે. બીજી તરફ ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ મેચમાં ઈન્ડિયા A ના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ધોની સાથે ધ્રુવ જુરેલ ટોચ પર

ભારત A નો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભલે બેટિંગમાં ફ્લોપ સાબિત થયો હોય, પરંતુ વિકેટકીપિંગમાં તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયેલો છે. ધ્રુવ જુરેલે પ્રથમ દાવ દરમિયાન વિકેટ કીપિંગ દરમિયાન 7 કેચ લીધા હતા. હવે ધ્રુવ જુરેલે દુલીપ ટ્રોફીમાં એક ઇનિંગમાં વિકેટકીપિંગ દરમિયાન 7 કેચ લેવાના એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ વર્ષ 2004-05માં ઈસ્ટ ઝોન તરફથી રમતા એક ઈનિંગમાં 7 કેચ લીધા હતા. હવે આ લિસ્ટમાં ધોનીની સાથે જુરેલ પણ પ્રથમ સ્થાને છે. જો જુરેલની બેટિંગની વાત કરીએ તો પ્રથમ દાવમાં તેના બેટથી માત્ર 2 રન જ બન્યા હતા.

ભારત A એ પ્રથમ દાવમાં 231 રન બનાવ્યા 

આ મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરતા ઈન્ડિયા A એ 10 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. ઈન્ડિયા A તરફથી કોઈ પણ બેટ્સમેન પ્રથમ દાવમાં સદી કે ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલે સૌથી વધુ 37 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મયંક અગ્રવાલે 36, કેપ્ટન શુભમન ગિલે 25, રિયાન પરાગે 30 અને તનુષે 32 રન બનાવ્યા હતા. આ સિવાય ઈન્ડિયા B તરફથી બોલિંગમાં મુકેશ કુમારે 19 ઓવરમાં 62 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નવદીપ સૈનીએ 16 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.


  • Follow us on: