- ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ
- પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સે ખાસ સિદ્ધિ હાંસલ કરી
- બેન સ્ટોક્સની ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં મોટા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. સિરીઝની પહેલી જ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમમાં ડેબ્યૂ કરનાર ગુસ એટકિન્સને 7 વિકેટ લઈને 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે જ ટીમનો સ્ટાર બોલર જેમ્સ એન્ડરસન પણ પોતાની છેલ્લી મેચ રમી રહ્યો છે. એન્ડરસન 700થી વધુ વિકેટ લેનાર અને 40 હજારથી વધુ બોલ ફેંકનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. હવે ટીમના કેપ્ટને પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ટેસ્ટમાં 200 વિકેટ લીધી
બેન સ્ટોક્સે મેચની બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી કિર્ક મેકેન્ઝીની વિકેટ લીધી હતી. બેન સ્ટોક્સની ટેસ્ટ કારકિર્દીની આ 200મી વિકેટ હતી. સ્ટોક્સે 103 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પોતાની કારકિર્દીમાં કુલ 103 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 6320 રન અને 200 વિકેટ હાંસલ કરી છે. આવું કરનાર તે ઈંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે.
આ ખેલાડી નંબર-1
ટેસ્ટ ક્રિકેટમાં 6000 થી વધુ રન બનાવનાર અને 200થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ગેરી સોબર્સ હતા. સર ગેરી સોબર્સે તેમની કારકિર્દીમાં કુલ 93 ટેસ્ટ મેચ રમી જેમાં તેમણે 8032 રન બનાવ્યા અને 235 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સર ગેરી સોબર્સ બાદ સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસે આ સિદ્ધિ મેળવી છે. જેક કાલિસે તેની કારકિર્દીમાં 166 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 13289 રન અને 292 વિકેટ ઝડપી હતી.
બેન સ્ટોક્સની કારકિર્દી
બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 103 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 6320 રન અને 201 વિકેટ ઝડપી છે. જ્યારે ODI મેચોમાં બેન સ્ટોક્સે 3463 રન બનાવ્યા છે અને 74 વિકેટ લીધી છે.