- ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો
- બંને ટીમોએ મેચમાં નબળી ટીમો સામે અનપેક્ષિત હારનો સામનો કરવો પડયો હતો
- વર્લ્ડકપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો રેકોર્ડ 4-3નો છે
વર્લ્ડકપમાં આજે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થશે. બંને ટીમોએ તેમની પાછલી મેચમાં નબળી ટીમો સામે અનપેક્ષિત હારનો સામનો કરવો પડયો હતો. બંને ટીમો હવે ફરી જીતના માર્ગે પાછી ફરવા મેદાને ઉતરશે. દક્ષિણ આફ્રિકાએ પાછલી મેચમાં 428 રનનો વર્લ્ડકપનો હાઇએસ્ટ સ્કોર કર્યા બાદ વરસાદના વિઘ્ન વચ્ચે નેધરલેન્ડે મેચ જીતીને અપસેટ સર્જ્યો હતો. આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની આ પહેલી હાર હતી જ્યારે ઇંગ્લેન્ડે પાછલી મેચમાં અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. વનડે વર્લ્ડકપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો રેકોર્ડ ભલે 4-3નો છે પણ આ વખતે દક્ષિણ આફ્રિકાનો દેખાવ બહેતર રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ ટુર્નામેન્ટની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને 100થી વધુ રનના માર્જિનથી હરાવ્યું પણ નેધરલેન્ડ સામે હારે ફરી સાબિત કરી દીધું કે દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં વિખેરાઇ જાય છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે જીત બાદ અફઘાનિસ્તાન સામે હાર પછી ઇંગ્લેન્ડનું મનોબળ પણ તૂટી ગયું છે. ત્રણ મેચમાં 43, 20 અને 9 રનના સ્કોર સાથે જોસ બટલર આઉટ ઓફ ફોર્મ છે. જોકે દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં બેન સ્ટોક્સની વાપસી થઇ શકે છે. 2019ના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 20 વિકેટ લેનારો જોફ્રા આર્ચર મુંબઇ પહોંચી ગયો છે પણ તે રિઝર્વ બોલર રહેશે.










