• ઇંગ્લેન્ડના સુકાની બટલરે પણ ધર્મશાલાનું આઉટફિલ્ડ નીચલા સ્તરનું ગણાવ્યું

  • ઓલરાઉન્ડ શાકિબ અલ હસન ઇંગ્લિશ બેટ્સમેનો માટે જોખમી સાબિત થઇ શકે છે  
  • ન્યૂઝીલેન્ડ સામે બટલર, બેરિસ્ટો અને જોઇ રુટે ઉપયોગી રન બનાવ્યા હતા

વર્લ્ડ કપ ઓપનરમાં ન્યૂઝીલેન્ડ સામે કારમા પરાજયનો સામનો કરનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે ધર્મશાલામાં આઇસીસી વર્લ્ડ કપની લીગ મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો ટાર્ગેટ વિજયપથ ઉપર પરત ફરવાનો રહેશે. ન્યૂઝીલેન્ડ સામેનો પરાજય ઇંગ્લિશ સુકાની જોસ બટલર અને તેના સાથીઓ માટે ચેતવણીનો સંકેત છે. આ મુકાબલો સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. ઓપનિંગ મેચમાં કિવિ ટીમના બેટ્સમેન તથા બોલર્સે ઇંગ્લેન્ડને રમતના તમામ પાસામાં વામણી સાબિત કરી દીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ એક યૂનિટ તરીકે નહીં પરંતુ વ્યક્તિગત રમી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ પાસામાં બટલરે ટીમ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરા પાડવા પડશે. ન્યૂઝીલેન્ડ સામે બટલર, બેરિસ્ટો અને જોઇ રુટે ઉપયોગી રન બનાવ્યા હતા પરંતુ એક પણ ખેલાડી મેચવિનર બની શક્યો નહોતો.

અફઘાનિસ્તાનના કોચે બાંગ્લાદેશ સામેના પરાજય બાદ ધર્મશાલાના ગ્રાઉન્ડના આઉટફિલ્ડને નિચલા સ્તરનું વર્ણવ્યું હતું અને ઇંગ્લેન્ડના સુકાની બટલરે પણ આઉટફિલ્ડને નીચલા સ્તરનું ગણાવ્યું હતું. બટલરે મેચની પૂર્વસંધ્યાએ જણાવ્યું હતું કે ફિલ્ડિંગ દરમિયાન ઘણા ખેલાડીઓ લપસી પડે છે અને મેદાનમાં કોઇને પણ ઇજા થઇ શકે છે. મેચ પહેલાં આ બાબત દિમાગમાં રહેવી તે સારી બાબત નથી. ખેલાડીઓએ થોડીક સાવધાની રાખવી પડશે જે દેશ માટે રમતી વખતે તમે ઇચ્છતા નથી. ફિલ્ડર્સ એક-એક રન બચાવવા માટે ડાઇવ લગાવતા હોય છે અને આ સ્થિતિમાં ધર્મશાલાનું આઉટફિલ્ડ પ્લેયર્સ માટે જોખમી બની શકે છે.

બાંગ્લાદેશનો 36 વર્ષીય ઓલરાઉન્ડ શાકિબ અલ હસન ઇંગ્લિશ બેટ્સમેનો માટે જોખમી સાબિત થઇ શકે છે. બેટિંગમાં લિટન દાસ, મહેદી હસન મિરાજ તથા નજમુલ શાન્તો પણ ઉપયોગી ઇનિંગ રમીને ટીમને વિજય અપાવી શકે છે. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનો નિર્ણય કરી શકે છે.


  • Follow us on: