ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વાપસી થઈ છે. સ્ટોક્સને ઓગસ્ટમાં હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે ચાર ટેસ્ટ રમી શક્યો ન હતો. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને ગુસ એટકિન્સનને રેકોર્ડબ્રેક પ્રથમ ટેસ્ટ જીતનારી ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્ટોક્સ ઉપરાંત મેટ પોટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટોક્સ હેમસ્ટ્રિંગમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે
પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં સ્ટોક્સને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ તેણે 12મા ખેલાડીની સંપૂર્ણ ભૂમિકા ભજવી અને બ્રેક દરમિયાન પોતાના સાથી ખેલાડીઓને પાણી પીવડાવ્યું. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સ્ટોક્સ હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. આ ઈજાના કારણે તે ઓગસ્ટના અંતથી ટીમની બહાર હતો.
બીજી ટેસ્ટ પ્રથમ મેચની પિચ પર રમાશે
એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે મંગળવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ એ જ પીચ પર રમાશે જેનો ઉપયોગ પ્રથમ ટેસ્ટ માટે કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ માટે પાકિસ્તાને પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે અને પૂર્વ કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીને પડતો મુક્યો છે. આ ટીમની પસંદગી સમિતિમાં કેપ્ટન શાન મસૂદ, કોચ જેસન ગિલેસ્પી, પૂર્વ કેપ્ટન અઝહર અલી અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અલીમ દાર સામેલ હતા.
પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ( વિકેટકીપર), બ્રાઈડન કાર્સ, મેટ પોટ્સ, જેક લીચ, શોએબ બશીર.