• ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડીનું થયું નિધન
  • કેન પામરે 16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું
  • જાણીએ આ દિગ્ગજ ખેલાડીની કારકિર્દી કેવી રહી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી અને લિજેન્ડ અમ્પાયર કેન પામરનું 87 વર્ષની વયે નિધન થયું હતું. ક્રિકેટના આ દિગ્ગજના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. આ દિગ્ગજ ખેલાડીએ લાંબી બીમારી બાદ મસગ્રોવ પાર્ક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ચાલો આ અહેવાલમાં જાણીએ કે આ દિગ્ગજ ખેલાડીની કારકિર્દી કેવી રહી.

16 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું કર્યું શરૂ

1937માં વિન્ચેસ્ટર, ઈંગ્લેન્ડમાં જન્મેલા પામરે 16 વર્ષની ઉંમરે હેમ્પશાયર માટે રમવાનું શરૂ કર્યું. પોતાની ડેબ્યુ મેચમાં જ તેણે મિડલસેક્સ સામે પ્રથમ દાવમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી કેન પામરે ક્યારેય પાછું વળીને જોયું નથી. કેન પામરે 1955 અને 1969 વચ્ચે સમરસેટ માટે 302 મેચ રમી હતી, જેમાં 2 સદી સહિત 20.67ની સરેરાશથી 7567 રન બનાવ્યા હતા.


કેન પામરે પણ બોલર તરીકે ઊંડી છાપ છોડી અને કુલ 837 વિકેટ લીધી. 1963માં, તેણે ટ્રેન્ટ બ્રિજ ખાતે નોટિંગહામશાયર સામે 57 રનમાં નવ વિકેટ લઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. 24 વર્ષની ઉંમરે, કેન પામર 1000 ફર્સ્ટ-ક્લાસ રન અને ફર્સ્ટ-ક્લાસ વિકેટ હાંસલ કરીને આવી સિદ્ધિ મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો.

માત્ર 1 આંતરરાષ્ટ્રીય મેચ રમી

કેન પામરે 1965માં ઈંગ્લેન્ડ માટે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં તેણે 10 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. જો કે, આ પછી તેને ઈંગ્લેન્ડ માટે કોઈપણ ટેસ્ટ કે વનડે મેચમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જે બાદ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને અમ્પાયરિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

લાંબો સમય કરી અમ્પાયરિંગ

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કેન પામરે લાંબા સમય સુધી અમ્પાયરિંગ કર્યું છે. તેણે 22 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 23 આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. ક્રિકેટમાં તેમની સેવા બદલ 2003માં તેમને MBE એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અડધો ધ્વજ ફરકાવવામાં આવ્યો

કેન પામરના અવસાન પર, તેમની ટીમ સમરસેટ કાઉન્ટી ક્રિકેટ ક્લબે શોક વ્યક્ત કરતા અડધો ધ્વજ ફરકાવ્યો છે. ક્રિકેટ ક્લબે કેન્ટ સ્પિટફાયર સામે આજની મેટ્રો બેંક વન-ડે કપ મેચ પહેલા પામરને શ્રદ્ધાંજલિ આપવાનું પણ આયોજન કર્યું છે.

  • Follow us on: