ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 5 મેચની વનડે સિરીઝમાં હારનો સામનો કર્યા બાદ હવે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ સિરીઝ માટે તૈયાર છે અને પાકિસ્તાન પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પ્લેન 2 ઓક્ટોબરના રોજ મુલ્તાન પહોંચ્યું હતું. પાકિસ્તાન પહોંચતા ઈંગ્લેન્ડના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને કડક સુરક્ષામાં એરપોર્ટથી હોટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ પરંપરાગત શૈલીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઈંગ્લેન્ડની ટીમનું સ્વાગત કરતો વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ઇંગ્લિશ ખેલાડીઓ પ્લેનમાંથી ઉતરી રહ્યા છે અને પછી હોટેલ પહોંચવા પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
મુલ્તાનમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 7 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં યજમાન પાકિસ્તાનની ટીમ પર ભારે દબાણ રહેશે. તાજેતરમાં પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 7-11 ઓક્ટોબર દરમિયાન મુલ્તાનમાં રમાશે, જ્યારે બીજી મેચ પણ 15-19 ઓક્ટોબર દરમિયાન આ જ મેદાન પર રમાશે. સિરીઝની ત્રીજી મેચ 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રાવલપિંડીમાં રમાશે.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 21 મહિનાના લાંબા ગાળા બાદ પાકિસ્તાન પહોંચી છે. ઇંગ્લેન્ડે છેલ્લે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે T20I અને ટેસ્ટ સિરીઝ માટે વર્ષ 2022માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને 3-0થી ક્લીન સ્વીપ કર્યું અને 7 મેચની T20I સિરીઝ 4-3થી જીતી લીધી.
આ સિરીઝ માટે બંને દેશોની ટીમ
પાકિસ્તાન: શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, મીર હમઝા, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, નોમાન અલી, સેઈમ અયુબ , સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ (વિકેટકીપર), અને શાહીન શાહ આફ્રિદી, ઝાહિદ મહમૂદ.
ઈંગ્લેન્ડઃ બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, શોએબ બશીર, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, જોર્ડન કોક્સ, જેક ક્રાઉલી, બેન ડકેટ, જેક લીચ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, જેમી સ્મિથ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ.