• માર્સેલે 80મી મિનિટે ગોલ કરી ઓસ્ટ્રિયાને જીતાડયું

  • ઓસ્ટ્રિયાએ નેધરલેન્ડ્સને હરાવીને યૂરો કપ ફૂટબોલના ગ્રૂપ-ડીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું
  • ડોનિયલ માલેનના આત્મઘાતી ગોલના કારણે ઓસ્ટ્રિયાને પ્રથમ હાફમાં લીડ મળી હતી

ઓસ્ટ્રિયાએ નેધરલેન્ડ્સને 3-2થી હરાવીને યૂરો કપ ફૂટબોલના ગ્રૂપ-ડીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. બીજી તરફ ફ્રાન્સનો પોલેન્ડ સામેનો મુકાબલો 1-1થી ડ્રો રહેતા ફ્રેન્ચ ટીમ ગ્રૂપમાં બીજા ક્રમે રહી હતી. ડોનિયલ માલેનના આત્મઘાતી ગોલના કારણે ઓસ્ટ્રિયાને પ્રથમ હાફમાં લીડ મળી હતી.

બીજા હાફમાં 47મી મિનિટે કોડી ગાકપોએ ગોલ કરીને ઓરેન્જ કેપ તરીકે જાણીતી નેધરલેન્ડ્સની ટીમ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. રોમાનોએ 59મી મિનિટે ગોલ કરીને ઓસ્ટ્રિયાને ફરીથી 2-1ના સ્કોરથી આગળ કરી હતી પરંતુ આ લીડ માત્ર 12 મિનિટ સુધી જળવાઈ રહી હતી. મેન્ફિસ ડેપેએ 75મી મિનિટે ગોલ કરીને ડચ ટીમ માટે સ્કોર 2-2થી સરભર કર્યો હતો. માર્સેલ સબાત્ઝિરે 80મી મિનિટે ગોલ કરીને ઓસ્ટ્રિયાનો 3-2થી વિજય નિશ્ચિત કર્યો હતો. ઓસ્ટ્રિયાએ ત્રણ મેચમાં બે વિજય અને એક પરાજયનો સામનો કર્યો છે.

ગ્રૂપની અન્ય મેચમાં ઈજાના કારણે નાકે માસ્ક પહેરીને મેદાનમાં ઉતરેલા કિલિયન મબાપેએ 56મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવીને ફ્રાન્સને 1-0થી આગળ કરવા ઉપરાંત યૂરો કપમાં પોતાના ગોલનું ખાતું ખોલ્યું હતું. રોબર્ટ લેવાન્ડોવસ્કીએ 79મી મિનિટે પેનલ્ટી ઉપર ગોલ નોંધાવીને મેચ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. મબાપે 2021ના યૂરો કપમાં ચાર મેચ રમ્યો હતો પરંતુ તે એક પણ ગોલ નોંધાવી શક્યો નહોતો.


  • Follow us on: