- હવે સૌની નજર બુધવારે રમાનારી બેલ્જિયમ-યૂક્રેન, સ્લોવેકિયા-રોમાનિયા વચ્ચેની મેચ પર
- ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર બે રાઉન્ડ બાદ કોઇ ગ્રુપની ચારેય ટીમના એકસરખા પોઇન્ટ
- બ્રુયનેએ સેકન્ડ હાફમાં અદ્ભુત ગોલ કરીને 2-0થી જીત સુનિશ્ચિત કરી હતી
યુરો કપમાં બેલ્જિયમે યૂરી ટાયલેમેન્સ અને કેવિન ડે બ્રુયનેના ગોલની મદદથી રોમાનિયાને 2-0થી હરાવતાં ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર બે રાઉન્ડ બાદ કોઇ ગ્રુપની ચારેય ટીમના એકસરખા પોઇન્ટ છે.
અહીંના કોલોન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોમાનિયા સામે બેલ્જિયમની જીત સાથે ગ્રૂપ-ઇની ચારેય ટીમ- બેલ્જિયમ, રોમાનિયા, સ્લોવેકિયા અને યૂક્રેનના ત્રણ-ત્રણ પોઇન્ટ થયા છે. હવે સૌની નજર બુધવારે રમાનારી બેલ્જિયમ-યૂક્રેન અને સ્લોવેકિયા-રોમાનિયા વચ્ચેની મેચ પર રહેશે. ગ્રૂપ-ઇમાં રોમાનિયા અને સ્લોવેકિયાએ તેમની ઓપનિંગ મેચ જીતી હતી જ્યારે બેલ્જિયમ અને યૂક્રેને બીજી ગ્રૂપ મેચમાં જીત મેળવી હતી. બેલ્જિયમ તરફથી ટાયલેમેન્સે 73મી સેકન્ડે જ ગોલ ફટકારીને બેલ્જિયમને પ્રારંભિક સરસાઇ અપાવી હતી જ્યારે બ્રુયનેએ સેકન્ડ હાફમાં અદ્ભુત ગોલ કરીને 2-0થી જીત સુનિશ્ચિત કરી હતી.










