• રવિવારે મધ્ય રાત્રીએ 12:30 કલાકે ફાઇનલ રમાશે

  • સ્પેન યૂરો કપ 2024માં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટીમ બની
  • બંને ટીમના સમર્થકો બર્લિન પહોંચી ચૂક્યા છે

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે યૂરો કપ 2024 હવે અંતિમ પડાવ ઉપર આવી ગયો છે. રવિવારે મોડી રાત્રે 12:30 કલાકે ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે એકબીજા સામે ટકરાશે. ઇંગ્લેન્ડની ટીમે બીજી સેમિફાઇનલમાં નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને વિદેશની ધરતી ઉપર પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

બર્લિનમાં રમાનારી આ ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમને ટોપ ફોર્મમાં રહેલી સ્પેનની ટીમના કપરા પડકારનો સામનો કરવો પડશે. સ્પેન વિક્રમી ચોથા ટાઇટલને જીતવાનો પ્રયાસ કરશે. સ્પેન યૂરો કપ 2024માં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ટીમ બની છે. આ એકમાત્ર ટીમ છે જેણે પોતાની તમામ મેચો જીતી છે અને 13 ગોલ કર્યા છે જે યુરોપિયન ચેમ્પિયનશિપમાં સૌથી વધારે ગોલ કરવાના સ્પેનિશ રેકોર્ડને સરભર કરવાના તથા ફ્રાન્સે 1984માં નોંધાવેલા વિક્રમી ગોલ કરતાં એક ઓછો છે. સ્પેનના કોચ ડે લા ફૂએંતેએ ઇંગ્લેન્ડને ચેતવણી આપીને જણાવ્યું હતું કે અમારી ટીમ ફાઇનલમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે. ઇંગ્લેન્ડની ટીમ અમને હંમેશાં મેચવિનિંગ પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે.

ફાઇનલ મુકાબલો લામિન યામલના 17મા જન્મદિવસ બાદ રમાશે. તે યૂરો કપમાં ગોલ કરનાર યંગેસ્ટ ખેલાડી બન્યો છે. તેના ગોલ વડે સ્પેને ફ્રાન્સને 2-1થી હરાવીને યૂરો 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમના સમર્થકો બર્લિન પહોંચી ચૂક્યા છે. ઇંગ્લેન્ડની ટીમ વિદેશની ધરતી ઉપર પ્રથમ વખત યૂરો કપ જીતવાના તમામ પ્રયાસ કરે તેવી સંભાવના હોવાના કારણે ફાઇનલ મુકાબલો રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે.

નંબર ગેમ

યુરોપિયન ચેમ્પિયનશિપમાં સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો મુકાબલો રમાશે. 1980ના ગ્રૂપ તબક્કામાં ઇંગ્લેન્ડે 2-1થી વિજય મેળવ્યો હતો. 1996માં નિર્ધારિત સમય 0-0થી ડ્રો રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

તમામ પ્રકારની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સ્પેને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 14 મેચમાં માત્ર ચાર મુકાબલા ગુમાવ્યા છે. સ્પેને સાત વિજય અને ત્રણ ડ્રોના પરિણામ મેળવ્યા હતા. આ રેકોર્ડ પહેલાં સ્પેનની ટીમ ઇંગ્લેન્ડ સામે સતત સાત મેચોમાં પરાજય મેળવ્યો હતો.

સ્પેનની ટીમે તેની છેલ્લી ત્રણ મેજર ટૂર્નામેન્ટની ફાઇનલ જીતી છે. સ્પેને 2008 અને 2012ની યુરોપિયન ચેમ્પિયન તથા 2010નો ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. યુરોપની એક પણ ટીમ સતત ચાર ફાઇનલમાં સ્પેન જેટલી સફળ રહી નથી.

પ્લેયર્સ ટૂ વોચ

લામિન યમાલ (સ્પેન)

યૂરો 2024માં લામિન યમાલે પોતાની સ્પીડ, કુશળતા અને લોંગ રેન્જથી શોટ્સ મારવાની ક્ષમતાથી તમામને પ્રભાવિત કર્યા છે. 16 વર્ષીય સ્પેનિશ વિંગર ટૂર્નામેન્ટમાં સાથી ખેલાડીઓને ગોલ માટે આસિસ્ટ કરવાના મામલે ટોચના ક્રમે છે. સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે તેના શાનદાર ગોલના કારણે ઇંગ્લેન્ડ સામે ખતરાનો સંકેત થયો છે.

કોબ્બી મૈનૂ (ઇંગ્લેન્ડ)

ઇંગ્લેન્ડની સફળતામાં 18 વર્ષીય કોબી મૈનૂનું મોટું યોગદાન રહ્યું છે અને તે ગેરેથ સાઉથ ગેટની ટીમનો મહત્ત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે. તેના બોલ ઉપરના હોલ્ડિંગ, શાનદાર પાસિંગ તથા ઝડપી રનિંગની ક્ષમતા સ્પેનની બેકલાઇન માટે મોટો ખતરો બની શકે છે. તેની ગોલ કરવાની ક્ષમતા અંગે સ્પેનના કોચ લૂઇસ ડે લા ફૂએન્તે પણ સારી રીતે પરિચિત છે.

નિકો વિલિયમ્સ (સ્પેન)

સ્પેનના બીજા વિંગર નિકો વિલિયમ્સે પણ યૂરો 2024માં પોતાના શાનદાર પ્રદર્શન વડે યુરોપની ટોચની ક્લબોના રડાર ઉપર પોતાનું નામ નોંધાવી દીધું છે. યમાલની જેમ નિકો પણ સ્પીડ અને બોલ ઉપરના અંકુશનું શાનદાર પ્રદર્શન કરે છે. નિકોનો ફાઇનલમાં ઇંગ્લેન્ડના અનુભવી કેયલ વોકર સામે રોમાંચક મુકાબલો થશે.

ફિલ ફોડેન (ઇંગ્લેન્ડ)

2023-24ની પ્રીમિયર લીગમાં પ્લેયર ઓફ ધ સિઝન બનેલા ફિલ ફોડેને ઇંગ્લેન્ડ સામે યૂરો કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સેમિફાઇનલમાં નેધરલેન્ડસની ડિફેન્સ હરોળ તેનો સામનો કરી શકી નહોતી. ફોડેનના શાનદાર પાસિંગ અને સમયાંતરે લોંગ શોટ્સ મારવાની ક્ષમતાથી સ્પેનની ટીમે સાવચેતી રાખવી પડશે. કુનેહભર્યા પાસિંગથી સાથીઓને આસિસ્ટ કરી શકે છે.

  • Follow us on: