• સ્પેન 1-0થી જીત્યું, ઇટાલી 2016 બાદ ગ્રૂપ સ્ટેજમાં પ્રથમ વખત હાર્યું

  • સુકાની હેરી કેન ચાર મેજર ઇવેન્ટમાં ગોલ કરનાર ત્રીજો ઇંગ્લિશ ફૂટબોલર બન્યો
  • સ્પેને પ્રથમ વખત ઇટાલી સામે યૂરો કપમાં સતત ત્રીજો વિજય હાંસલ કર્યો

ત્રણ વખતની યુરોપિયન ચેમ્પિયન સ્પેને વર્તમાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટાલીને 1-0થી હરાવીને યૂરો કપ ફૂટબોલ 2024ના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ઇટાલીના રિકાર્ડો કાલાફિયોરીએ 55મી મિનિટે આત્મઘાતી ગોલ કરીને સ્પેનને વિજયની ભેટ આપી હતી. સ્પેને પૂરી મેચમાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

આ સાથે સ્પેને પ્રથમ વખત ઇટાલી સામે યૂરો કપમાં સતત ત્રીજો વિજય હાંસલ કર્યો છે. આ પહેલાં સ્પેને 2021ના ઓક્ટોબરમાં ઇટાલીને 2-1થી તથા 2023ના જૂનમાં 2-1થી વિજય મેળવ્યો હતો. યુરોપિયન ચેમ્પિયનશિપમાં ઇટાલીએ 2016 બાદ પ્રથમ વખત પરાજય મેળવ્યો છે. છેલ્લે 2016માં તેનો આયરલેન્ડ સામે 1-0થી પરાજય થયો હતો. આ સાથે સતત 10 મેચથી અજેય રહેવાની ઇટાલીની પરંપરા પણ તૂટી ગઈ હતી. આ દસ મેચમાં ઇટાલીએ સાત વિજય અને ત્રણ ડ્રોના પરિણામ મેળવ્યા હતા. સ્પેને યૂરો કપના ઇતિહાસમાં પોતાની પ્રથમ બે મેચ જીતી છે. આ પહેલાં 2016માં સ્પેને પોતાની પ્રથમ બે મેચમાં ચેક રિપબ્લિકને 1-0થી તથા તુર્કીને 3-0થી પરાજય આપ્યો હતો. સ્પેન છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં પ્રારંભિક તબક્કામાં જ બહાર થઈ ગયું હતું. છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપમાં ઇટાલીએ તેને સેમિફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.

ગ્રૂપ-સીમાં ઇંગ્લેન્ડે ડેન્માર્ક સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી. સુકાની હેરી કેને ઇંગ્લેન્ડ માટે 18મી મિનિટે શાનદાર ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો. ડેન્માર્ક તરફથી મોર્તેન જુલમન્ડે 34મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. હેરી કેન ઇંગ્લેન્ડ તરફથી ચાર વિવિધ મેજર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ગોલ કરનાર ત્રીજો ઇંગ્લિશ ફૂટબોલર બન્યો છે. આ પહેલાં માઇકલ ઓવન તથા વેન રુનીએ આ સિદ્ધિ મેળવી હતી. યૂરો કપ 2024માં અત્યાર સુધી 13 ગોલ બોક્સની બહારથી નોંધાયા છે જે 2020ની ઇવેન્ટમાં પૂરા ગ્રૂપ સ્ટેજમાં નોંધાયેલા ગોલની સંખ્યા કરતાં વધારે છે.


  • Follow us on: