- સ્પેન સતત છ મેચ જીતનાર પ્રથમ ટીમ બની
- સ્પેનની ટીમે ચાર મિનિટમાં બે ગોલ કરીને બાજી પલટી નાખી હતી
- સ્પેનનો ફ્રાન્સને 2-1થી હરાવીને યૂરો કપ 2024 ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ
16 વર્ષીય લામેન યમાલ યૂરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ઇતિહાસનો યંગેસ્ટ ગોલ સ્કોરર બનવાની સિદ્ધિ હાંસલ કરનાર ફૂટબોલર બની ગયો છે. મ્યૂનિચ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં યમાલ અને દાની ઓલ્મોના ગોલ વડે સ્પેને ફ્રાન્સને 2-1થી હરાવીને યૂરો કપ 2024 ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
યમાલ 16 વર્ષ 362 વર્ષની વયે ગોલ નોંધાવનાર યંગેસ્ટ ફૂટબોલર બન્યો હતો. તેણે પેલેના 66 વર્ષ જૂના રેકોર્ડને બ્રેક કર્યો હતો. બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેએ 1958ના વર્લ્ડ કપમાં 17 વર્ષ 239 દિવસની વયે ગોલ કર્યો હતો. આ ઉપરાંત સ્પેનની ટીમ એક મેજર ટૂર્નામેન્ટમાં સતત છ મેચ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલાં બ્રાઝિલે 2002માં વર્લ્ડ કપ અને યૂરો કપમાં સંયુક્ત રીતે સતત સાત વિજય મેળવ્યા હતા. રેન્ડલ કોલો મુઆનીએ નવમી મિનિટે કિલિયન મબાપેએ આપેલા ક્રોસ પાસને ગોલમાં ફેરવીને ફ્રાન્સને 1-0થી આગળ કરી દીધું હતું. ટૂર્નામેન્ટમાં છેલ્લી પાંચ મેચમાં માત્ર એક જ ગોલ ખાનાર સ્પેનની ટીમે ચાર મિનિટમાં બે ગોલ કરીને બાજી પલટી નાખી હતી. યમાલ યૂરો કપની ફાઇનલના એક દિવસે પહેલાં પોતાનો 17મો જન્મદિવસ મનાવશે. સ્પેનની ટીમ ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે ટકરાશે. સ્પેન વિક્રમી ચોથા ટાઇટલથી માત્ર એક વિજય દૂર છે.










