- પાંચ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે
- ઇંગ્લેન્ડની લગભગ જીતેલી ચોથી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી
- ઈંગ્લેન્ડ છેલ્લી ટેસ્ટમાં જીતે તો એશિઝ સીરિઝ 2-2થી ડ્રો થશે
ઈંગ્લેન્ડે એશિઝ સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટે તેની ટીમની જાહેરાત કરી છે. છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. જાણો કેવુ હશે પ્લેઈંગ ઈલેવન
ઈંગ્લેન્ડે એશિઝ સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પાંચ મેચની આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડની લગભગ જીતેલી ચોથી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી, ત્યારબાદ હવે એશિઝ ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે રહેશે.
ચોથી ટેસ્ટમાં વરસાદ બન્યો વિધ્ન
જો ઈંગ્લેન્ડની ટીમ સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ જીતી જાય છે, તો 2023ની એશિઝ સીરિઝ 2-2થી ડ્રો થઈ જશે, પરંતુ ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે રહેશે, કારણ કે કાંગારૂઓએ અગાઉની એશિઝ સીરીઝ જીતી હતી. ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત પણ નક્કી જ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા નસીબદાર હતું. ચોથા દિવસની રમતનો લગભગ અડધો ભાગ અને આખો પાંચમો દિવસ વરસાદને કારણે ધોવાઈ જતા ચોથી ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારના સંકેત
હવે પાંચમી ટેસ્ટમાં બેન સ્ટોક્સની ટીમ પાસે સીરિઝ હારવાથી બચવાની તક છે. ઈંગ્લેન્ડે પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે તેમ છતાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. પાંચમી ટેસ્ટ પહેલા જ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારના સંકેત આપ્યા છે. બીબીસીએ સ્ટોક્સને ટાંકીને કહ્યું કે અમે ખૂબ થાકી ગયા છીએ. ઓવલ ટેસ્ટ પહેલા આપણે જોવું પડશે કે કોણ સંપૂર્ણ રીતે ફિટ છે અને કોણ નથી.
માનવામાં આવે છે કે સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાંચમી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને યંગ જોશ ટેંગને તક મળવાની આશા છે. આ સિવાય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી.
પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ બેન સ્ટોક્સ (કેપ્ટન), મોઈન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જો રૂટ, જોશ ટોંગ, હેરી બ્રુક, જેક ક્રાઉલી, બેન ડકેટ, ડેન લોરેન્સ, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.