- પ્રથમ વખત સેમિ-ઓટોમેટેડ ઓફ સાઇડ ટેક્નિકનો ઉપયોગ કરશે
- વીએઆર સિસ્ટમની મૉડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરાશે
- ટીમમાં ખેલાડીઓની સંખ્યા 23થી વધારી 26 કરાઈ
આરબ દેશમાં પ્રથમ વખત ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે અને આ વખતે કેટલીક નવી બાબતો મેગા ઇવેન્ટને વધારે રસપ્રદ બનાવશે. વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેમિ-ઓટોમેટેડ ઓફ સાઇડ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ વીએઆર સિસ્ટમની મૉડર્ન ટેક્નોલોજી છે. મેચો દરમિયાન નવી સિસ્ટમને કારણે ઓછા સમયમાં સચોટ નિર્ણય લેવામાં વધારે મદદ મળશે. ફિફા અરબ કપ 2021 તથા ફિફા ક્લબ વર્લ્ડ કપ 2021માં આ સિસ્ટમનો સફળ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રથમ વખત મહિલા રેફરીની વરણી કરવામાં આવી
ફિફા મેન્સ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા રેફરી મેચનું સંચાલન કરશે. આ ટૂર્નામેન્ટ માટે વિશ્વના ટોચના 36 રેફરીને પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ત્રણ મહિલા યામાશિતા યોશિની, સલીમા મુકાંસંગા અને સ્ટેફની ફ્રેન્કપાર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યૂઝા બેન્ક, કરેન ડિયાઝ મદીના અને કેથરિન નેસ્બિટ પણ 69 સહાયક રેફરીમાં સામેલ છે.
ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો
અત્યાર સુધી પ્રત્યેક ટીમમાં ૨૩ ખેલાડીઓ હતા પરંતુ કોરોના મહામારીના કારણે આ સંખ્યા વધારીને ૨૬ની કરવામાં આવી છે. જો કોઇ ખેલાડીને અંત સમયે જ કોઇ સમસ્યા થાય, તેની તબિયતનાં કારણે તે ટીમમાં ન રમી શકે તો છેલ્લી ઘડિયે સમસ્યા ન ઉભઈ થાય એ કારણે આ બદલાવ કરવામાં આવ્યો છે. યુરોપિયન ચેમ્પિયનશિપ અને કોપા અમેરિકા કપમાં પણ પ્રત્યેક ટીમમાં ૨૬ ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રત્યેક ટીમ હવે મેચ દરમિયાન ત્રણના બદલે પાંચ ખેલાડીઓે બદલી શકશે જે નિયમ તમામ ટીમો માટે ઉપયોગી સાબિત થયો હતો. જોઇએ આ નિયમોનો ફાયદો આ વર્લ્ડ કપ દરમિયાન કેટલી ટીમ ઉઠાવી શકે છે. પાંચવાર ખેલાડીઓનો બદલાવ કરવાની છુટ્ટી મળવી એ ગેમની દ્રષ્ટીએ ખૂબ જ સારી વાત છે.