ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ તેના વાર્ષિક એવોર્ડ્સની જાહેરાત કરી છે. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને વર્ષ 2024 માટે FIH શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ નિવૃત્ત અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશને સર્વશ્રેષ્ઠ ગોલકીપર પસંદ કરવામાં આવ્યો છે. ઓમાનમાં આયોજિત 49મી FIH કોંગ્રેસમાં બંને ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
હરમન અને શ્રીજેશે દિગ્ગજોને પછાડ્યા
આ એવોર્ડ જીતીને હરમનપ્રીત સિંહે નેધરલેન્ડના જોપ ડી મોલ અને થિયરી બ્રિંકમેન, જર્મનીના હેન્સ મુલર અને ઈંગ્લેન્ડના જેક વોલેસને પાછળ છોડી દીધા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ માટે 10 ગોલ કરનાર હરમનપ્રીતે ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પીઆર શ્રીજેશે નેધરલેન્ડના પિરમિન બ્લેક, સ્પેનના લુઈસ કાલ્ઝાડો, જર્મનીના જીન-પોલ ડેનેબર્ગ અને આર્જેન્ટિનાના ટોમસ સેન્ટિયાગોને પાછળ છોડીને ગોલકીપર વર્ગમાં ટોચનો એવોર્ડ જીત્યો હતો.
હરમનપ્રીતને ત્રીજી વખત મળ્યો આ એવોર્ડ
હરમનપ્રીત સિંહે ત્રીજી વખત આ એવોર્ડ જીત્યો છે. તેણે અગાઉ 2020-21 અને 2021-22માં પણ આ ખિતાબ જીત્યો હતો. તેણે કહ્યું, “આ એવોર્ડ મારા માટે ઘણો મહત્વનો છે. હું મારા સાથી ખેલાડીઓ, હોકી ઈન્ડિયા અને મારા પરિવારનો આભાર માનું છું.
પીઆર શ્રીજેશે શું કહ્યું?
પીઆર શ્રીજેશ પણ ત્રીજી વખત આ એવોર્ડ જીત્યો છે. શ્રીજેશે કહ્યું, "આ પુરસ્કાર સંપૂર્ણપણે મારી ટીમનો છે. આ પુરસ્કાર એવા મિડફિલ્ડરો અને ફોરવર્ડ્સનો છે કે જેમણે મે ખાધા એના કરતાં વધુ ગોલ કરીને મારી ભૂલોને ઢાંકી દીધી."
અન્ય વિજેતાઓ
મહિલા ખેલાડી: યબ્બી જેન્સેન (નેધરલેન્ડ)
મહિલા ગોલકીપર: યે ઝિયાઓ (ચીન)
મેલ રાઇઝિંગ સ્ટારઃ સુફિયાન ખાન (પાકિસ્તાન)
ફિમેલ રાઇઝિંગ સ્ટારઃ જો ડાયઝ (આર્જેન્ટિના)
પુરૂષોના કોચ: જેરોન ડેલ્મી (નેધરલેન્ડ)
મહિલા કોચ: એલિસન અન્નાન
પુરૂષ અમ્પાયર: સ્ટીવ રોજર્સ (ઓસ્ટ્રેલિયા)
મહિલા અમ્પાયર: સારાહ વિલ્સન (સ્કોટલેન્ડ)