- બંને ફ્રેન્ચાઇઝીની મેન્સ ટીમ હજુ સુધી ટ્રોફી જીતી શકી નથી, સાંજે 7:30થી પ્રારંભ થશે
- એલિસ પેરી, સ્મૃતિ મંધાના, રાધા યાદવ, મેગ લેનિંગ, શેફાલી વર્મા તથા મારિજાના કેપ ઉપર નજર રહેશે
- વિમેન્સ પ્રીમિયર લીગની સિઝન-2ની બે ફાઇનાલિસ્ટ ટીમ નક્કી થઈ ચૂકી
એક મહિનાના રોમાંચ બાદ વિમેન્સ પ્રીમિયર લીગની સિઝન-2ની બે ફાઇનાલિસ્ટ ટીમ નક્કી થઈ ચૂકી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રવિવારે ફાઇનલ મુકાબલો થશે. બંને ટીમો માટે આ ઐતિહાસિક ફાઇનલ બનશે કારણ કે બંને ફ્રેન્ચાઇઝીની મેન્સ ટીમ હજુ સુધી એક પણ વખત ટ્રોફી જીતી શકી નથી. દિલ્હી અને બેંગ્લોરની ટીમે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમ હવે ફિનિશિંગ લાઇન પાર કરવા માટે આતુર છે. આ મુકાબલો સાંજે 7:30 કલાકથી શરૂ થશે. દિલ્હી કેપિટન્સની સુકાની મેગ લેનિંગે ફાઇનલ સુધીની સફરમાં આવેલા તમામ અંતરાયમાં પોતાની ટીમનું કુશળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. ટોચનો ક્રમ વિખેરાઈ ગયો હોય ત્યારે તેણે ધીમી બેટિંગ કરી હતી જેના કારણે ટીમની અન્ય સ્ટ્રાઇકર્સને પોતાનું ફોર્મ હાંસલ કરવામાં મદદ મળી હતી. એનાબેલ સધરલેન્ડે ટીમના કોમ્બિનેશનને વધારે મજબૂત બનાવ્યું છે. મારિજાના કેપ તથા જેસ જોનાસેનન જોડી મિડલ ઓર્ડરને એકસૂત્રે જોડી રાખે છે. મીનુ મણિ અને તિતાસ સાધુએ પણ તક મળી ત્યારે પોતાની ક્ષમતા પુરવાર કરી છે.










