સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલની મદદથી અલ નાસરે એએફસી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના ઇલિટ ગ્રૂપમાં યુએઇની ક્લબ તથા ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ એનને 5-1થી હરાવીને 12 ટીમોમાં ટોચની ત્રણ ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.
સાઉદી અરબની ક્લબ અલ નાસરના ચાર મેચમાં 10 પોઇન્ટ છે અને તે સ્થાનિક હરીફ અલ હિલાલ અને અલ અહલી કરતાં બે પોઇન્ટ પાછળ છે. આ બંનેએ પોતપોતાની ચારેય મેચ જીતી છે. એન્ડરસન તાલિસ્કાએ રમતની પ્રારંભિક પાંચમી મિનિટે ગોલ કર્યો હતો. ત્યારબાદ રોનાલ્ડોએ 30 મિનિટ બાદ અલ નાસર માટે ગોલ કર્યો હતો. ફેબિયો કાર્ડોસોના આત્મઘાતી ગોલની મદદથી અલ નાસરે હાફ ટાઇમે 3-0ની લીડ મેળવી લીધી હતી. વેસ્લે અને તાલિસ્કાએ બીજા હાફમાં ગોલ કર્યા હતા. જાપાનની વિસેલ કોબેએ સાઉથ કોરિયાની ગ્વાંગઝૂ એફસી સામે 2-0થી વિજય હાંસલ કરીને પોતાના ગ્રૂપમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. મલેશિયાના જોહોર દારુલ તાજિમે સાઉથ કોરિયાની બે વખતની ચેમ્પિયન ઉલ્સાન એચડી સામે 3-0થી વિજય હાંસલ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.










