એટલેટિકો મેડ્રિડે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા બાર્સિલોનાને 2-1થી પરાજય આપીને સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એટલેટિકો તરફથી સુપર સબ એલેક્ઝાંડર સોરલોથે બીજા હાફના ઇન્જરી ટાઇમમાં નિર્ણાયક ગોલ કર્યો હતો.


તેનાથી આ સુનિશ્ચિત થઇ ગયું હતું કે એટલેટિકો મેડ્રિડ શિયાળું વેકેશન દરમિયાન લાલ લિગાના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેશે.એટલેટિકો મેડ્રિડની આ તમામ સ્પર્ધાઓમાં સતત 12મી જીત છે. જેનાથી તે બાર્સિલોના કરતા ત્રણ પોઇન્ટ આગળ નીકળી ગયુ છે.બાર્સિલોનાએ પોતાની છેલ્લી નવ મેચમાં માત્ર બે જીત જ મેળવી છે. બાર્સિલોનાએ મેચની શરુઆતમાં પોતાનો દબદબો બનાવ્યો હતો અને પેડ્રિએ 30મી મિનિટમાં ગોલ કરીને તેને લીડ અપાવી હતી. રોડ્રિગો ડી પોલે બીજા હાફની શરુઆતમાં બાર્સિલોનાની ડિફેન્સ લાઇનની ભૂલનો ફાયદો ઉઠાવીને એટલેટિકોનો સ્કોર બરાબરી પર લાવી મૂક્યો હતો. તે બાદ બાકીની કસર સોરલોથે પૂરી કરી દીધી હતી.એક અન્ય મેચમાં એટલેટિક બિલબાઓએ શરૂઆતમાં પાછળ રહ્યા બાદ વાપસી કરતા ઓસાસુનાને 2-1થી પરાજય આપ્યો હતો અને પોતાના અપરાજિત રહેવાના ક્રમને 14 મેચ સુધી વધારી દીધો હતો. તે હવે એટલેટિકો કરતા માત્ર પાંચ પોઇન્ટ જ પાછળ છે.મેલોર્કાએ એક અન્ય મેચમાં ગેટાફેને 1-0થી પરાજય આપ્યો હતો જેના કારણે તે પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે.


  • Follow us on: