- બંને ટીમે ગોલ કરવા માટે ભારે સંઘર્ષ કર્યો, કેનેડાની આશા જીવંત રહી
- વિક્ટર ડાવિલાએ બોક્સની પાસે છ મીટર દૂરથી આપેલા પાસને ગોલમાં ફેરવવાથી સાંચેઝ વંચિત રહ્યો હતો
- પેરુના મિગુલ એરાયુજોએ 43મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો
ચિલી અને પેરુ વચ્ચે રમાયેલી કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટના ગ્રૂપ-એનો મુકાબલો નીરસ રીતે 0-0થી ડ્રો રહ્યો હતો અને આ પરિણામથી આર્જેન્ટિના સામે ઓપનિંગ મેચમાં હારનાર કેનેડાની આશા જીવંત રહી છે.
કોનમેબોલ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સંઘર્ષ કરનાર ચિલી અને પેરુની ટીમે તેમની કુલ 12 મેચમાં માત્ર ચાર ગોલ કર્યા હતા. એલેક્સી સાંચેઝ ચિલી માટે 16મી મિનિટે ગોલ કરવાની તક ચૂકી ગયો હતો. વિક્ટર ડાવિલાએ બોક્સની પાસે છ મીટર દૂરથી આપેલા પાસને ગોલમાં ફેરવવાથી સાંચેઝ વંચિત રહ્યો હતો. પેરુના લૂઈસ એડવિનકુલાએ 35મી મિનિટે મેદાન છોડયું હતું અને મિડફિલ્ડર ડિયાગો વાલ્ડેસ સબસ્ટિટયૂટ તરીકે ફિલ્ડમાં ઉતર્યો હતો. પેરુના મિગુલ એરાયુજોએ 43મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચિલીના ગોલકીપર ક્લાઉડીઓ બ્રાવોએ એક્રોબેટિક ડાઇવ મારીને બોલને રોકી લીધો હતો.










