મુકાબલાના અંતિમ સમયમાં એક મિનિટ અને 55 સેકન્ડમાં બે ઉપરાછાપરી ગોલ કરીને માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં માન્ચેસ્ટર ડર્બી તરીકે ગણવામાં આવી મેચમાં માન્ચેસ્ટર સિટીને 2-1થી પરાજય આપ્યો હતો. અન્ય મુકાબલામાં ટોટનહામ હોટ્સપુર તથા ચેલ્સીનો પણ વિજય થયો હતો.
માન્ચેસ્ટર સિટીએ જોસ્કો વાર્ડિયોલે 36મી મિનિટે નોંધાવેલા ગોલ વડે 1-0ની લીડ મેળવી હતી. ત્યારબાદ બંને ટીમ તરફથી ગોલ કરવાના પ્રયાસ થયા હતા પરંતુ કોઈને સફળતા મળી નહોતી. મેચમાં સિટીનો વિજય થશે તેવું લાગી રહ્યું હતું ત્યારે બ્રુનો ફર્નાન્ડેઝે 88મી મિનિટે (87 મિનિટ 11 સેકન્ડ) પ્રથમ ગોલ કરીને યુનાઇટેડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ અમદ ડાયલોએ 90મી મિનિટે (89 મિનિટ 06 સેકન્ડ) બીજો ગોલ કરીને યુનાઇટેડનો 2-1થી વિજય નિશ્ચિત કર્યો હતો.










