યુરોપની ટોપની બે ટીમ રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર સિટી બંનેને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં શરમજનક પરાજયનો સામનો કરવો પડયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રિયલ મેડ્રિડને એસી મિલાને પોતાના ઘરઆંગણે જ 3-1થી પરાજય આપ્યો હતો.
એરલિંગ હાલેન્ડ પેનલ્ટી ચૂકતાં તેની ટીમ માન્ચેસ્ટર સિટીએ ચોથી મિનિટે લીડ મેળવ્યા બાદ પણ પોર્ટુગલની ટીમ સ્પોર્ટિંગ લિસ્બન સામે 4-1થી પરાજયનો સામનો કર્યો હતો. સિટી માટે ફિલ ફોડેને ચોથી મિનિટે ગોલ કર્યો હતો. લિસ્બન માટે વિક્ટર ગ્યોકેરેસે 38મી, 40મી તથા 80મી અને મેક્સીમિલાનો અરાયુજોએ 46મી મિનિટે ગોલ કર્યા હતા. ચેમ્પિયન્સ લીગમાં 15 વખત ચેમ્પિયન બની ચૂકેલી રિયલ મેડ્રિડનું વર્તમાન સિઝનમાં ખરાબ પ્રદર્શન જારી રહ્યું છે. તે પોતાની બીજી મેચમાં લીલી સામે હારી ગયું હતું. મલિક થિયાવે 12મી મિનિટે મિલાનને લીડ અપાવી હતી. વિનીસિયસ જુનિયરે 23મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ અલ્વારો મોરાટા અને તિજાની રિજેન્ડર્સે મિલાન માટે ગોલ કર્યા હતા. અન્ય મેચોમાં જર્મન ફોરવર્ડ નિકોલસના બે ગોલ વડે સેલ્ટિકે હોમગ્રાઉન્ડમાં લિપઝિગને 3-1થી હરાવી હતી. જુવેન્ટ્સ અને લિલીનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો.










