- શુક્રવાર સુધીમાં મેડલ્સની સંખ્યા 95 સુધી પહોંચી
- શનિવારે તીરંદાજીમાં ત્રણ, કબડ્ડીમાં બે મેડલ
- ક્રિકેટ તથા બેડમિન્ટનમાં એક-એક મેડલ્સ નિશ્ચિત
ભારતીય ચીનના હાંગઝોયૂ ખાતેની એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ્સનો માઇલસ્ટોન હાંસલ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સના 13મા દિવસે શુક્રવારે ભારતની મેન્સ હોકી ટીમે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. રેસલિંગમાં સોનમ મલિક અને કિરણના બ્રોન્ઝ સાથે ભારત 100 મેડલ્સની નજીક પહોંચી ગયું છે. શુક્રવારે ભારતના મેડલ્સની સંખ્યા 95 સુધી પહોંચી ગઇ હતી. શનિવારે અન્ય મુકાબલામાં ભારતને બીજા સાત મેડલ મળશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. આ બાકીના મેડલ્સનો રંગ કયો આવે છે તે રસપ્રદ રહેશે. ભારત જાકાર્તા ખાતેની એશિયાડમાં જીતેલા 70 મેડલ્સના રેકોર્ડને તોડી ચૂક્યું છે. આ વખતે ભારત એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ્સનો આંકડો પાર કરશે તે ઐતિહાસિક મોમેન્ટ રહેશે.
એશિયન ગેમ્સ શરૂ થઇ તે પહેલાં ભારત 100 મેડલ્સ સુધી પહોંચી શકશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત થતી હતી પરંતુ હોર્સરાઇડિંગ, સેઇલિંગ તથા રોવિંગમાં મળેલા મેડલ્સ બાદ શૂટિંગ અને એથ્લેટિક્સમાં મેડલના થયેલા વરસાદના કારણે ભારત પ્રથમ વખત 100ના આંકડા સુધી પહોંચી ગયું છે.
ચીન ભારતીય ખેલાડીઓને હેરાન કરે છે
19મી એશિયન ગેમ્સ 2023 હાંગઝોઉમાં ચાલી રહી છે. યજમાન દેશ ચીન ભારત જેવા દેશોને હેરાન કરી રહ્યું છે. ભારતીય એથ્લેટ્સ ચીનની છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે, ત્યારે યજમાન દેશ સતત ભારતીય ખેલાડીઓને એક યા બીજા કારણોસર પોતાની યુક્તિઓમાં ફ્સાવી રહ્યો છે. પહેલા ચીની અધિકારીઓએ ભારતીય દોડવીર જ્યોતિ યારાજીને અને પછી ભારતીય સ્ટાર્સ નીરજ ચોપરા અને કિશોર કુમાર જેનાને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય એથ્લેટ્સ પણ ગાંજ્યા જાય તેવા નહોતા.
કયા મેડલ્સ નિશ્ચિત
કમ્પાઉન્ડ તીરંદાજીમાં મેન્સ વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલ ભારતના અભિષેક તથા ઓજસ વચ્ચે થશે જેના કારણે ગોલ્ડ અને સિલ્વર નિશ્ચિત છે. મહિલા તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમ પણ ગોલ્ડ અથવા સિલ્વર મેળવશે. ક્રિકેટ, મેન્સ તથા વિમેન્સ કબડ્ડીમાં પણ ગોલ્ડ અથવા સિલ્વર નિશ્ચિત થઇ ચૂક્યા છે. બેડમિન્ટનમાં સાત્ત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ મેળવશે. ઉલ્લેખનીય છે કે ભારતે મેન્સ હોકીમાં 9 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
હોકીમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા છે
ભારતીય પુરુષ હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતે 1966, 1998 અને 2014માં ગોલ્ડ કબજે કર્યો હતો. તે જ સમયે, એશિયાડમાં ભારતીય હોકી ટીમનો આ એકંદરે 16મો મેડલ હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.