- બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને ચુંટણી લડી
- શાકિબે 1.5 લાખ મતોથી પ્રથમ સંસદીય બેઠક જીતી
- શાકિબ રાજકારણની સાથે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન શાકિબ અલ હસને રાજકીય પિચ પર શાનદાર પ્રદર્શન કર્યુ છે. ક્રિકેટના મેદાન પર પોતાનું કૌશલ્ય સાબિત કરનાર સ્પિન ઓલરાઉન્ડર શાકિબ અલ હસન લગભગ 1.5 લાખ મતોથી પોતાની પ્રથમ ચૂંટણી જીત્યો છે. રાજકારણમાં આવ્યા બાદ પણ શાકિબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ બંને જવાબદારીઓ નિભાવવા તૈયાર છે.
શાકિબ સંસદીય બેઠક જીતવામાં સફળ
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં શાકિબ અલ હસને કેપ્ટનશીપ કરી છે. શાકિબ અલ હસન પોતાના દેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીના ઉમેદવારી નોંધાવી હતી. તેઓ લગભગ 1.5 લાખ મતોથી પોતાની પ્રથમ સંસદીય બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. શાકિબે પશ્ચિમી શહેર મગુરાની સંસદીય બેઠક પર ભારે મતોથી જીત મેળવી હતી. જો કે આ અંગે શાકિબે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પોતાને ન્યૂઝીલેન્ડ પ્રવાસથી દૂર રાખ્યા
શાકિબ પહેલાથી જ પોતાની જીતનો દાવો કર્યો હતો. તેણે ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે તેને કોઈ પડકારી શકશે નહીં. શાકિબ તેના સામેના પક્ષકારને લગભગ 1.5 લાખ મતોથી માત આપી હતી. શાકિબ પોતાની ચૂંટણીના પ્રચાર માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસથી પોતાને દૂર રાખ્યા હતા. તેથી તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે જોવા મળતા નથી.
શાકિબ 2023 ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો કેપ્ટન હતો
ભારતમાં ગયા વર્ષે રમાયેલા 2023 ODI વર્લ્ડ કપમાં શાકિબ અલ હસન બાંગ્લાદેશનો કેપ્ટન હતો. જો કે, તેની કેપ્ટનશીપમાં ન તો ટીમનું પ્રદર્શન સારું રહ્યું અને ન તો શાકિબ પોતે કોઈ કમાલ કરી શક્યો. આ પછી તેમની નિવૃત્તિની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ રાજનીતિમાં આવાની જાહેરાત બાદ શાકિબે સ્પષ્ટ કરી દીધું હતું કે તે હજુ નિવૃત્ત થવાનો નથી. તેણે કહ્યું હતું કે તે રાજકારણની સાથે ક્રિકેટ રમવાનું પણ ચાલુ રાખશે.