• બે વખત પીસીબીના અધ્યક્ષ તરીકે આપી હતી સેવા
  • વિદેશી બાબતોના સચિવ તરીકે પણ આપી સેવા
  • પાકિસ્તાન ક્રિકેટ જગતમાં શોકની લહેર

પાકિસ્તાન ક્રિકેટને 23 માર્ચે મોટો ફટકો પડ્યો છે. પીસીબીના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા રાજદ્વારી શહરયાર ખાનનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. શહરયાર ખાનના મૃત્યુની તેના પરિવારે પુષ્ટિ કરી છે. શહરયાર ખાનનું નિધન પાકિસ્તાનના લાહોરમાં થયું હતું. શહરયારે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મેનેજર, પીસીબીના બે વખત અધ્યક્ષ અને વિદેશી બાબતોના સચિવ તરીકે પણ સેવા આપી હતી.

ભારત સાથે ખાસ સંબંધ હતો

તમને જણાવી દઈએ કે, શહરયાર ખાનનો જન્મ 29 માર્ચ 1934ના રોજ લખનૌમાં થયો હતો. શહરયાર ખાને પ્રારંભિક શિક્ષણ ભારતમાં જ લીધું હતું. આ પછી ભારતનું વિભાજન થયું અને શહરયાર ખાન પાકિસ્તાન ગયા હતા. શહરયાર ખાને કરાચીમાં રાજદ્વારી તરીકે વિશિષ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તેઓ પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. શહરયાર ખાન એક સમૃદ્ધ ક્રિકેટ વારસો ધરાવતા પરિવારના હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન નવાબ મન્સૂર અલી ખાન પટૌડીના પિતરાઈ ભાઈ હતા.

પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ શોક વ્યક્ત કર્યો

શહરયાર ખાનના નિધનના સમાચાર મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ મોહસિને ટ્વીટ કર્યું અને લખ્યું કે પીસીબી વતી હું પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. તેઓ એક સારા પ્રશાસક હતા અને તેમણે અત્યંત સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી હતી.

  • Follow us on: