- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- બીજી મેચ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે
- કેપટાઉનમાં ભારતીય ખેલાડીઓનો ખરાબ રેકોર્ડ
ભારતીય ટીમે હવે કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં સાઉથ આફ્રિકાના પડકારનો સામનો કરવાનો છે. બે મેચની ટેસ્ટ સિરીઝમાં 0-1થી પાછળ રહ્યા બાદ કેપટાઉનમાં ભારત માટે કોઈપણ ભોગે જીત જરૂરી છે. જો કે આ જીત આસાન જણાતી નથી. વાસ્તવમાં વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં હાજર ખેલાડીઓનો આ મેદાન પર ટેસ્ટ રેકોર્ડ સારો નથી.
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમના માત્ર 6 ખેલાડીઓને કેપટાઉનમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે. આમાં પણ માત્ર બે ખેલાડીઓનું સરેરાશ પ્રદર્શન રહ્યું છે. બાકીના ચાર ખેલાડીઓ અહીં સંપૂર્ણ ફ્લોપ રહ્યા છે.
કેપટાઉનમાં ભારતીય ખેલાડીનું પ્રદર્શન
- રોહિત શર્મા કેપટાઉનમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યો છે. આ મેચની બંને ઇનિંગ્સમાં તે માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. અહીં ભારતીય કેપ્ટનનો સૌથી વધુ સ્કોર 11 રહ્યો છે.
- વિરાટ કોહલીએ આ મેદાન પર બે ટેસ્ટ મેચ રમી છે. અહીં તેણે 35.25ની એવરેજથી 141 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 79 રહ્યો છે.
- કેએલ રાહુલ પણ અહીં ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં માત્ર 22 રન જ બનાવી શક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 12 રન છે.
- આર અશ્વિને અહીં બે ટેસ્ટ મેચમાં માત્ર બે વિકેટ લીધી છે. અશ્વિને પણ આ મેદાન પર 14.50ની એવરેજથી 58 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 37 રહ્યો છે.
- શાર્દુલ ઠાકુરે પણ અહીં એક મેચ રમી છે. આ મેદાન પર તેને માત્ર બે જ વિકેટ મળી છે. તેણે બેટિંગમાં 17 રન બનાવ્યા છે.
- જસપ્રિત બુમરાહનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેને આ મેદાન પર બે ટેસ્ટ રમવાની તક મળી છે અને આ દરમિયાન તેણે 4 ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપી છે. જો કે બેટિંગમાં તે 4 ઇનિંગ્સમાં માત્ર 4 રન જ બનાવી શક્યો છે.
ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝમાં 0-1થી પાછળ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. કેએલ રાહુલ અને વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ ઈન્ડિયાને અહીં ઈનિંગ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ આ સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટમાં વાપસી કરવાનો પૂરો પ્રયાસ કરશે. આ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.