- ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનવાને લઈને ચર્ચાઓ તેજ
- ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની શકે છે
- BCCIએ ગૌતમ ગંભીરની એક મોટી શરત માની લીધી છે
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનવાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ અંગે દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ઘણા સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી BCCIએ આ અંગે સત્તાવાર માહિતી આપી નથી.
જ્યારે BCCIએ ગંભીરનો ઈન્ટરવ્યુ લીધો હતો ત્યારે પૂર્વ ક્રિકેટરે પોતાની કેટલીક શરતો બોર્ડ સમક્ષ મૂકી હતી, જેના પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, BCCIએ ગંભીરની એક મોટી શરત માની લીધી છે. જે બાદ હવે કોચિંગ સ્ટાફમાં એક પોસ્ટ ખાલી રહી શકે છે.
બેટિંગ કોચનું પદ ખાલી રહી શકે છે
અહેવાલો અનુસાર, BCCIએ ગૌતમ ગંભીરને તેની ઇચ્છા મુજબ કોચિંગ સ્ટાફ પસંદ કરવા માટે સ્વતંત્રતા આપી છે. હજુ એ સ્પષ્ટ નથી કે બેટિંગ કોચ હશે કે નહીં, કારણ કે ગંભીર પોતે સફળ ઓપનિંગ બેટ્સમેન હતો. જો આવું થાય તો કોચિંગ સ્ટાફમાં કોઈ બેટિંગ કોચ નહીં હોય, પરંતુ ગૌતમ ગંભીર પોતે બેટ્સમેનોને કોચિંગ આપશે.
કોચ બનવામાં વિલંબ કેમ?
T20 વર્લ્ડ કપ2024 બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે એ નક્કી થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ મળશે. જોકે, IPL 2024 બાદથી ગંભીર BCCIની પહેલી પસંદ છે. અહેવાલો અનુસાર, ગંભીરના મુખ્ય કોચ બનવામાં વિલંબ તેના પગારને કારણે થયો છે. હાલમાં BCCI ગંભીરના પગાર અંગે ચર્ચા કરી રહી છે. ગંભીરને ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ કરતાં વધુ પગાર મળવાની આશા છે. રાહુલ દ્રવિડનું વાર્ષિક પેકેજ 12 કરોડ રૂપિયા હતું.