ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હશે તો વાતાવરણમાં ગરમી ચોક્કસ જોવા મળશે. અને, તેની શરૂઆત નિવેદનોથી થઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું ત્યારે હવે ગૌતમ ગંભીરે જડબાતોડ જવાબ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે પોન્ટિંગને આડે હાથ લીધા હતા. વિરાટ કોહલી સાથે જોડાયેલા સવાલોના જવાબ આપતાં ગંભીરે રિકી પોન્ટિંગને સલાહ આપી કે તેઓ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સુધી જ સીમિત રહે.
વિરાટ વિશે પોન્ટિંગે શું કહ્યું?
ગૌતમ ગંભીરે રિકી પોન્ટિંગ વિશે શું કહ્યું તે પહેલા આપણે એ જાણીએ કે રિકી પોન્ટિંગ દ્વારા વિરાટ કોહલી વિશે શું કહેવામાં આવ્યું. પોન્ટિંગે કહ્યું કે વિરાટે છેલ્લા 5 વર્ષમાં માત્ર 2 સદી ફટકારી છે. જો કોઇ અન્ય ખેલાડી હોત તો આવા પ્રદર્શન બાદ ટીમમાં યથાવત રહી શક્યો ન હોત .
પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા વિશે વિચારવું જોઈએ, ભારત વિશે નહીં - ગંભીર
ત્યારે હવે રિકી પોન્ટિંગના આ નિવેદનને લઇને ગૌતમ ગંભીરને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે રિકી પોન્ટિંગે ભારતીય ક્રિકેટ માટે શું કર્યું છે ? જો તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારે તો સારું. તેમને વિરાટ કે રોહિતની ચિંતા કરવાની જરૂર નથી. ગંભીરે વધુમાં કહ્યું કે વિરાટ-રોહિતે ઘણું બધું હાંસલ કર્યું છે. તેમને કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. તે પોતાની રમત પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સતત મહેનત કરે છે.
વિરાટ-રોહિતના ફોર્મને નજરઅંદાજ ન કરી શકાય
ગૌતમ ગંભીરે વિરાટ-રોહિતની તરફેણમાં પ્રશંસા તો કરી દીધી પરંતુ તેઓના વર્તમાન ફોર્મને અવગણી શકાય નહીં. રોહિતે આ વર્ષે 11 મેચમાં 29.40ની એવરેજથી માત્ર 588 રન બનાવ્યા છે, જેમાં 2 સદી સામેલ છે. જ્યારે વિરાટ કોહલીએ 6 ટેસ્ટની 12 ઇનિંગ્સમાં 22.72ની એવરેજથી 1 અડધી સદી સાથે માત્ર 250 રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવવું પડશે અને આ માટે વિરાટ અને રોહિતની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે.
જો રોહિત નહીં, તો બુમરાહ હશે કેપ્ટન - ગંભીર
તો બીજી તરફ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં તે અંગે ચર્ચાઓ તેજ બની છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા નહી જાય. ત્યારે ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. તેનો નિર્ણય સીરીઝની શરૂઆત પહેલા લેવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે કે જો રોહિત ન જાય ઓસ્ટ્રેલિયા તો કેપ્ટન કોણ હશે? જેના જવાબમાં ગંભીરે જસપ્રિત બુમરાહનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે તે ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે તેની કેપ્ટનશિપ કરશે. આ પહેલા રોહિતની જગ્યાએ કેપ્ટનશિપ માટે વિરાટ, પંત જેવા અનેક નામોની ચર્ચા થઈ રહી હતી. પરંતુ, ગંભીરે હવે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે.