- 1990ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામેની ફાઇનલમાં એકમાત્ર ગોલ કર્યો હતો
- બ્રેહમેને રાતના સમયે હાર્ટએટેક આવ્યો હતો અને તેમનું અચાનક નિધન થયું છે
- બ્રેહમે ફ્રન્ટ હરોળમાં સામાન્ય રીતે રાઇટ વિંગમાં રમતા હતા
આર્જેન્ટિના સામે 1990ના ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં એકમાત્ર ગોલ કરીને પશ્ચિમ જર્મનીને ચેમ્પિયન બનાવનાર એન્ડ્રિયાસ બ્રેહમેનું નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. બ્રેહમેની પાર્ટનર સુઝૈન શેફરે આ બાબતને સમર્થન આપીને જણાવ્યું હતું કે બ્રેહમેને રાતના સમયે હાર્ટએટેક આવ્યો હતો અને તેમનું અચાનક નિધન થયું છે. બ્રેહમેની ક્લબ બાયર્ન મ્યૂનિચે જણાવ્યું હતું કે એન્ડ્રિયાસની યાદ હંમેશાં અમારી સાથે રહેશે. એક વર્લ્ડ કપ વિજેતા અને એક વિશેષ વ્યક્તિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. બ્રેહમે ફ્રન્ટ હરોળમાં સામાન્ય રીતે રાઇટ વિંગમાં રમતા હતા. 1980 અને 1990ના દશકામાં તે જર્મનીના દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ હતા. તેણે 1990માં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. બ્રેહમેએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પણ ગોલ કર્યો હતો. પશ્ચિમ જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં આ મેચ જીતી હતી. રોમ ખાતે રમાયેલી ફાઇનલમાં આર્જેન્ટિના સામે 85મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવીને બ્રેહમેએ ટીમને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવી હતી. પશ્ચિમ જર્મની અને જર્મની માટે 86 ઇન્ટરનેશનલ મેચો રમી હતી.










