- ભારત અને ઇંગ્લેન્ડની ટીમો હાજર રહે તેવી સંભાવના
- આજે હૈદરાબાદમાં બીસીસીઆઇનો એવોર્ડ કાર્યક્રમ યોજાશે
- આ એવોર્ડનું આયોજન 2019 બાદ હવે કરવામાં આવી રહ્યું છે
હૈદરાબાદમાં મંગળવારે બીસીસીઆઇનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ યોજાશે જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર તથા હેડ કોચ રવિ શાસ્ત્રીને લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર (સીકે નાયડુ)થી સન્માનિત કરવામાં આવશે. આ સાથે તે એવોર્ડ હાંસલ કરી ચૂકેલા ભૂતપૂર્વ સાથી ખેલાડી કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, સૈયદ કિરમાણી તથા ક્રિસ શ્રીકાંતની ઇલિટ ક્લબમાં સામેલ થઇ જશે. કોરોનાની મહામારીના કારણે આ એવોર્ડનું આયોજન 2019 બાદ હવે કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં ભારતની ટેસ્ટ ટીમ તથા પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ હાજર રહે તેવી સંભાવના છે. 2019માં શ્રીકાંતને સીકે નાયડુ એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેસ્ટ મેન્સ ક્રિકેટર માટે પોલી ઉમરીગર, ભારત માટે વિમેન્સ ક્રિકેટમાં બેસ્ટ પ્લેયર, અમ્પાયર તથા બેસ્ટ ડોમેસ્ટિક ટીમનો એવોર્ડ પણ આપવામાં આવશે.










