ક્રિકેટની દુનિયા હાલમાં સતત મોટા ઝટકાઓનો સામનો કરી રહી છે. છેલ્લા એક મહિનામાં ફેન્સે એક એવો તબક્કો જોયો છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. માત્ર 30 દિવસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાંચ મહાન ખેલાડીઓએ સંન્યાસ લઈને ક્રિકેટ ફેન્સને હેરાન કરી દીધા છે.


ગયા મહિને ક્રિકેટ ફેન્સને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી. તે પણ ફક્ત એક અઠવાડિયાના અંતરમાં. બંનેએ ફેન્સને ઈમોશનલ કરતાં વિદાય સંદેશમાં કહ્યું કે હવે યુવાનોને તક આપવાનો સમય આવી ગયો છે.

રોહિતે 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું જ્યારે વિરાટે 12 મેના રોજ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી સંન્યાસ લીધો. રોહિત અને વિરાટનો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના ઝટકામાંથી ફેન્સ હજુ સંપૂર્ણપણે બહાર આવ્યા ન હતા ત્યારે શ્રીલંકાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 23 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. એન્જેલો મેથ્યુઝે શ્રીલંકા તરફથી 118 ટેસ્ટ મેચમાં 8167 રન બનાવ્યા.

એક જ દિવસે બે સ્ટાર ખેલાડીઓએ લીધો સંન્યાસ

ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત સાથે ક્રિકેટ જગત માટે વધુ એક હેરાન કરનારા સમાચાર આવ્યા જ્યારે એક જ દિવસમાં બે વધુ સ્ટાર ક્રિકેટરોએ સંન્યાસની જાહેરાત કરી. 2 જૂનના રોજ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટને અલવિદા કહ્યું.

મેક્સવેલના થોડા કલાકો પછી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેનએ માત્ર 33 વર્ષની ઉંમરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી. કોઈએ પણ વિચાર્યું ન હતું કે ક્લાસેન આટલી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.

હેનરિક ક્લાસેને સાઉથ આફ્રિકા માટે ફક્ત 4 ટેસ્ટ, 60 વનડે અને 58 T20 મેચ રમી હતી. વર્ષ 2025 ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 10 મોટા ખેલાડીઓએ ક્રિકેટના કોઈને કોઈ ફોર્મેટને અલવિદા કહી દીધું છે અથવા ઈન્ટરનેશનલ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું છે. આમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ નામોનો સમાવેશ થાય છે.

આ વર્ષે સંન્યાસ કરનારા ખેલાડીઓનું લિસ્ટ

હેનરિક ક્લાસેન - ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત

ગ્લેન મેક્સવેલ - વનડેમાંથી નિવૃત્તિ

વિરાટ કોહલી - ટેસ્ટમાંથી નિવૃત્તિ

રોહિત શર્મા - ટેસ્ટમાંથી નિવૃત્તિ

સ્ટીવ સ્મિથ - વનડેમાંથી નિવૃત્તિ

માર્કસ સ્ટોઈનિસ - વનડેમાંથી નિવૃત્તિ

એન્જેલો મેથ્યુઝ - ટેસ્ટમાંથી નિવૃત્તિ

દિમુથ કરુણારત્ને - ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ

મુશફિકુર રહીમ - વનડેમાંથી નિવૃત્તિ લીધી

મહમુદુલ્લાહ - ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત

સંન્યાસના લિસ્ટની લાઈનમાં ઘણા નામો

હવે સવાલ એ ઊભો થાય છે કે આવનારા દિવસોમાં આગળ કોનો નંબર હોઈ શકે? શું કોઈ અન્ય સિનિયર ખેલાડી પણ સંન્યાસના મૂડમાં છે? ક્રિકેટ જગતમાં એવી ચર્ચા છે કે કેટલાક વધુ અનુભવી ચહેરાઓ ટૂંક સમયમાં તેમની કારકિર્દીને અલવિદા કહી શકે છે. આમાં બે મોટા નામ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે છે, જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. 34 વર્ષીય મોહમ્મદ શમીનું નામ પણ ચર્ચામાં છે, જે ઈંગ્લેન્ડ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં પોતની જગ્યા બનાવી શક્યો નથી. મોહમ્મદ શમી પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે એક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. ઈશાંત શર્મા પણ નિવૃત્તિની ખૂબ નજીક માનવામાં આવે છે.

  • Follow us on: