- પ્લે ઓફ માટેનો દાવો મજબૂત કરવા ગુજરાતે જીતવું પડશે, બેંગલુરુ ગણતરી બગાડી શકે છે
- ગુજરાતની ટીમ નવ મેચમાં આઠ પોઇન્ટ સાથે સાતમા ક્રમે
- લીગમાં અત્યાર સુધી ગુજરાતની પેસ બોલર નબળી કડી રહી
લીગમાં મિશ્રિત દેખાવ કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આઇપીએલની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના મિડલ ઓર્ડરની આક્રમકતાથી સાવચેત રહેવું પડશે. ગુજરાતની ટીમ નવ મેચમાં આઠ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. શુભમન ગિલની ટીમે ચેન્નઇ અને દિલ્હીથી આગળ નીકળવું હોય તો આરસીબીને કોઈ પણ ભોગે હરાવવું પડશે. આ બંને ટીમના આઠ પોઇન્ટ છે. ગુજરાતના પેસ બોલર્સે પોતાનું પ્રદર્શન સુધારવાની જરૂર છે. લીગમાં અત્યાર સુધી ગુજરાતની પેસ બોલર નબળી કડી રહી છે. મોહિત શર્મા, ઉમેશ યાદવ, સંદીપ વોરિયરે ઘણા રન આપી દીધા છે. સ્પેન્સર જોન્સન અને ઉમરઝાઈ જેવા બેક અપ પેસ બોલર પણ આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી રહ્યા નથી. સ્પિનર રાશિદ ખાન તથા સાઇ કિશોર ઉપરાંત નૂર અહેમદ અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
બેંગલુરુની મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર અને કેમરુન ગ્રીને ફોર્મ હાંસલ કર્યું છે અને આ કારણથી ગુજરાતના બોલર્સ માટેનું કામ વધારે મુશ્કેલ બન્યું છે. પાટીદાર સ્પિનર્સ સામે વધારે સારો દેખાવ કરી રહ્યો છે. તેણે છેલ્લી બે મેચમાં કોલકાતાના સુનીલ નરૈન અને ચક્રવર્તી તથા માર્કંડેય (હૈદરાબાદ) સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગ્રીને પણ હૈદરાબાદ સામે આક્રમક ઇનિંગ રમી હતી. ગુજરાતની બેટિંગ મુખ્યત્વે સુકાની શુભમન ગિલ અને સાઇ સુદર્શનની આસપાસ રહી છે. મિડલ ઓર્ડરનો સામાન્ય દેખાવ ગુજરાતને ભારે પડી રહ્યો છે. રાહુલ તેવાટિયા અને ડેવિડ મિલર જેવા બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગની આશા રાખવામાં આવશે. બેંગલુરુની ટીમના બોલર્સે પણ વધારે સારો દેખાવ કરવાની જરૂર છે. આરસીબી મેચ જીતીને ગુજરાતના સમીકરણ બગાડી શકે છે.










