• ભારતીય એથ્લેટ ગુલવીર સિંહ ગણતરીના કલાકોમાં હીરોમાંથી ઝીરો બની ગયો

  • આયોજકોએ બીજા ક્રમે રહેલા કિર્ગિસ્તાનના કેનેશબેકોવને ગોલ્ડ મેડલ આપ્યો હતો
  • ભારતીય એથ્લેટિક ફેડરેશને અપીલ કરી હતી પરંતુ તેને આયોજકો દ્વારા ફગાવી દેવામાં આવી હતી

ભારતના ગુલવીર સિંહે તેહરાન ખાતેની એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના મેન્સ ત્રણ હજાર મીટર રેસના ગોલ્ડ મેડલને ગણતરીના કલાકોમાં ગુમાવી દીધો છે. તે નિર્ધારિત લાઇનની બહાર જતો રહ્યો હતો જેના કારણે તેને ડિસક્વોલિફાય કરવામાં આવ્યો હતો અને તેનો ગોલ્ડ મેડલ પણ છીનવી લેવાયો હતો. ગુલવીરે સોમવારે મોડી રાત્રે ઇવેન્ટની ત્રણ હજાર મીટર રેસની ફાઇનલમાં આઠ મિનિટ 07.48 સેકન્ડના સમય સાથે પોડિયમ ઉપર ટોચના સ્થાને ફિનિશ કર્યું હતું. ત્યારબાદ તેને ડિસક્વોલિફાય કરવામાં આવ્યો હતો. ભારતીય એથ્લેટિક ફેડરેશને અપીલ કરી હતી પરંતુ તેને આયોજકો દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

જ્યૂરીએ જણાવ્યું હતું કે ગુલવીરે લાઇનનો ભંગ કર્યો હતો તેનો તેમની પાસે પુરાવા છે. નોંધનીય છે કે એથ્લેટિક્સના ટેક્નિકલ નિયમ 17.2.3 મુજબ પ્રત્યેક એથ્લેટે શરૂઆતથી અંત સુધી તેની નિર્ધારિત લાઇનમાં રહેવાનું હોય છે. વળાંક ઉપર દોડતી વખતે એથ્લેટ પાટા ઉપર પણ પગ મૂકી શકતો નથી અને તેણે લાઇનની અંદર જ દોડવાનું હોય છે. આયોજકોએ બીજા ક્રમે રહેલા કિર્ગિસ્તાનના કેનેશબેકોવને ગોલ્ડ મેડલ આપ્યો હતો.


  • Follow us on: