- હરભજન સિંહ આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
- ભજ્જી પહેલા બેટ્સમેન બનવા ઈચ્છતા હતા
- કોચની સલાહ બાદ તેમણે ઓફ સ્પિનર બનવાનો નિર્ણય કર્યો
ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ 3 જુલાઈએ તેનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હરભજનની ગણતરી વિશ્વ ક્રિકેટના સફળ ઓફ સ્પિન બોલરોમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હરભજન બેટ્સમેન બનવા ઈચ્છતા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી હરભજન સિંહ આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિશ્વ ક્રિકેટમાં હરભજન સિંહની ગણતરી અનુભવી ઓફ સ્પિનર તરીકે થાય છે. હરભજન સિંહનો જન્મ 3 જુલાઈ, 1980ના રોજ જલંધરમાં થયો હતો. પોતાના પરિવારનું ધ્યાન રાખવા માટે ભજ્જી પહેલા ટ્રક ડ્રાઈવર બનવા ઈચ્છતા હતા, પરંતુ તેની બહેનોને કારણે તેમણે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું.
21 વર્ષે પિતાના નિધનથી સંપૂર્ણ જવાબદારી આવી
હરભજન સિંહના જીવનમાં તેમને પણ ઘણા દુ:ખનો સામનો કરવો પડ્યો હતો. ભજ્જી જ્યારે 21 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને પરિવારની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી. ભજ્જીએ હાર ન માની અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ભજ્જી પહેલા બેટ્સમેન બનવા માંગતા હતા, પરંતુ કોચની સલાહ બાદ તેમણે ઓફ સ્પિનર બનવાનો નિર્ણય કર્યો.
ઓસ્ટ્રેલિયા સામે હેટ્રિક લઈને મોટું કારનામું કર્યું
હરભજન સિંહ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી પ્રથમ હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી છે. તેમણે વર્ષ 2001માં કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે રિકી પોન્ટિંગ, શેન વોર્ન અને એડમ ગિલક્રિસ્ટની વિકેટ લીધી હતી. તેમજ તેમણે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ તરફથી હરભજન સિંહે સૌથી વધુ 32 વિકેટ લીધી હતી.
T20 અને ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય
વર્ષ 2007માં જ્યારે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે હરભજન સિંહે બોલ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, હરભજન સિંહ 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય પણ હતા. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન હરભજન સિંહે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમણે 25 વખત એક ઇનિંગમાં 5 અને મેચમાં 5 વખત 10 વિકેટ લીધી હતી.
ટેસ્ટ ફોર્મેટમાં હરભજન સિંહના નામે 2 સદીની ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ છે. ભજ્જીએ 236 વનડેમાં 269 વિકેટ લીધી હતી. જ્યારે 28 ટી20 મેચમાં 25 વિકેટ લીધી હતી. IPLમાં પણ હરભજન સિંહનો રેકોર્ડ ઘણો જ શાનદાર છે. ભજ્જીએ 163 IPL મેચમાં 150 વિકેટ લીધી હતી. હરભજન સિંહ મુંબઈ અને ચેન્નાઈ તરફથી રમતા IPL વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યા છે.