- BCCIએ WI પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી
- ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમમાં સ્થાન નથી મળ્યું
- પુજારા WTCમાં ખરાબ પ્રદર્શન બાદથી સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે
ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાનાર 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે જાહેર કરાયેલી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારપછી હવે ઘણા પૂર્વ ખેલાડીઓના નિવેદન તેના પક્ષમાં આવી રહ્યા છે. જેમાં અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું નામ પણ જોડાયું છે. હરભજને આશા વ્યક્ત કરી છે કે પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી પરંતુ તેને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માની કપ્તાની હેઠળ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરિઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં 2 નવા નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડનું છે. ટીમ ઈન્ડિયાએ 12 જુલાઈથી વિન્ડીઝની ટીમ સામે પહેલી ટેસ્ટ મેચ રમવાની છે.
ચેતેશ્વર પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખરાબ પ્રદર્શન બાદથી સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે. પુજારાના આઉટ થયા બાદ હરભજન સિંહે તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે મને આશા છે કે તેને બહાર કરવાને બદલે આરામ આપવામાં આવ્યો છે. તમારા માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી તમારી પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે. મને આશા છે કે પસંદગીકારોએ તેની સાથે આ વિશે વાત કરી હશે.










