મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચ નહીં રમી શકે. ગત સિઝનમાં તેના પર 1 મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાર્દિક ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા જઈ રહ્યો છે. મેગા ઓક્શન પહેલા મુંબઈની ટીમે પોતાના 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન હાર્દિક, રોહિત, સૂર્યા, બુમરાહ અને તિલક વર્મા સામેલ છે. મુંબઈએ તેનો ભારતીય કોર જાળવી રાખ્યો છે. ચાલો જાણીએ શા માટે હાર્દિક પર પ્રતિબંધ છે.

શા માટે પ્રથમ મેચ નહીં રમે હાર્દિક?

સ્લો ઓવર રેટના કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો IPL સિઝનમાં 3 વખત સ્લો ઓવર રેટ જોવા મળે છે, તો ટીમના કેપ્ટન પર 1 મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. IPLની આચાર સંહિતા અનુસાર, જો ટીમ પહેલીવાર સ્લો ઓવરનો ગુનો કરે છે, તો કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જો તે બીજી વખત આવું કરે છે તો તે ટીમના કેપ્ટન પર 24 લાખ રૂપિયાનો દંડ અને બાકીના ખેલાડીઓ પર મેચ ફીના 25 ટકા દંડ લગાવે છે.

જો ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટની ભૂલ કરે છે, તો કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને 1 મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આ સિવાય બાકીના ખેલાડીઓ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યા હશે કેપ્ટન

IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મેચમાં તેના સ્થાને સૂર્યકુમાર યાદવ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. સૂર્યા હાલમાં ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. તેની કપ્તાનીમાં ભારતીય ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યાને આગામી સિઝન માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. સૂર્યકુમારે 1 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી છે. જેમાં મુંબઈની ટીમનો વિજય થયો હતો. MI માટે છેલ્લી IPL સિઝન ખૂબ જ ખરાબ રહી હતી.