• હારિસ રઉફ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ રમવાની ના પાડી
  • હારિસના આ નિર્ણયથી પાકિસ્તાનની પસંદગી સમિતિ નારાજ
  • પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ અને હસન અલી ઇજાગ્રસ્ત

શું પાકિસ્તાનનો મેચ વિનિંગ ફાસ્ટ બોલર હારિસ રઉફ ફરી ક્યારેય પાકિસ્તાન માટે ક્રિકેટ રમી શકશે નહીં? છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર આ સવાલનું પૂર આવ્યું છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર વહાબ રિયાઝે રઉફ વિશે એક મોટી વાત કહી હતી. જેમાં તેને પાકિસ્તાનની ટીમમાંથી બહાર કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

વાસ્તવમાં, આ આખી વાર્તા હારિસ રઉફના નિર્ણયથી શરૂ થઈ હતી. ડિસેમ્બરમાં પાકિસ્તાને ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે પરંતુ હારિસ રઉફે આ સીરીઝમાં રમવાની ના પાડી દીધી હતી. રાઉફે વર્ક લોડ અને ફિટનેસને કારણે આ ટૂર પર ન જવાનું નક્કી કર્યું હતું. જ્યારે પાકિસ્તાનની પસંદગી સમિતિને આ વિશે જાણ થઈ, ત્યારે તેઓએ રાઉફના નિર્ણય પર એવી રીતે પ્રતિક્રિયા આપી કે જાણે બંને પક્ષોએ લડાઇ થઇ હોય.

હારિસ રઉફને હંમેશા માટે દુર કર્યો

જો કોઈ ખેલાડી કોઈ કારણસર પ્રવાસ પર જવા માંગતો નથી, તો આ બાબત પસંદગી સમિતિના સભ્યો સુધી મર્યાદિત રાખવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનની પસંદગી સમિતિ દ્વારા હારિસ રઉફના આ નિર્ણયને જાહેર કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં સિલેક્શન કમિટીના ચેરમેન વહાબ રિયાઝે ખુદ હારિસ વિશે ઘણું બધુ કહ્યું હતુ. ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે સિલેક્શન કમિટીએ હારિસ રઉફને પોતાનાથી દુર કરી ધીધો છે.

વહાબ રિયાઝે હારિસ રઉફ માટે શું કહ્યું?

વહાબ રિયાઝે કહ્યું, 'બે દિવસ પહેલા હારિસે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા ટૂર માટે ઉપલબ્ધ છે, પછી ગઈકાલે રાત્રે તેણે ફિટનેસ અને વર્ક લોડને ટાંકીને ના પાડી દીધી. હાફિઝ અને મેં તેને સમજાવ્યું કે કોચ અને કેપ્ટન ઈચ્છે છે કે તમે ઓસ્ટ્રેલિયામાં રમો. અમે તેને આશ્વાસન પણ આપ્યું હતું કે તેને એક દિવસમાં 10-12 ઓવરથી વધુ બોલિંગ કરાવવામાં આવશે નહીં. પણ તે રાજી ન થયો. વહાબે કહ્યું, 'અમે ટીમના ફિઝિયો અને ટ્રેનર સાથે હારિસની ફિટનેસ વિશે વાત કરી અને અમને જવાબ મળ્યો કે હારિસ સંપૂર્ણપણે ફિટ છે. અમને લાગે છે કે કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીએ આ રીતે પાછળ હટવું ન જોઈએ. નસીમ શાહ અને હસન અલી ઈજાના કારણે ગેરહાજર છે. આવી સ્થિતિમાં હારિસ રઉફને રમવાની જરૂર હતી. તેણે પાકિસ્તાન માટે રમવું જોઈતું હતું. રિયાઝે અંતે કહ્યું, 'ખેલાડી કોઈ પણ હોય અને તે ગમે તેટલો મોટો હોય, જો તે પાકિસ્તાનની ટીમને પ્રાથમિકતા નહીં આપી રહ્યો હોય તો ભવિષ્યની અમારી યોજનામાં તેનો સમાવેશ નહીં થાય.'

પાકિસ્તાનમાં ખેલાડીઓની કારકિર્દી બરબાદ કરવાનો ટ્રેન્ડ જૂનો

વહાબની ચેતવણી બાદ પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી હલચલ મચી ગઈ હતી. દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે કે શું પાકિસ્તાનની પસંદગી સમિતિ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હારિસ રઉફના આ બેજવાબદાર વલણથી નારાજ છે? આ સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યો છે કારણ કે પાકિસ્તાનમાં ઘણા શક્તિશાળી ખેલાડીઓની કારકિર્દી અચાનક ખતમ થઈ ગઈ છે. ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ અને બોર્ડના અધિકારીઓ વચ્ચે હંમેશા રાજકારણ ચાલતું રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણી પ્રતિભાઓ નાશ પામી છે. હવે જોવાનું એ રહેશે કે રાઉફ સાથે પણ આવું જ થશે કે કેમ.


  • Follow us on: