- વિશ્વનો નંબર 1 ઝડપી બોલર બન્યો હરિસ રઉફ
- હરિસ રઉફે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી
- હરિસે 71મી મેચની 69મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી
T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમને યુએસએ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ મંગળવારે કેનેડા સામે રમાયેલી મેચમાં તેના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરિસ રઉફે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ 2 વિકેટ સાથે હરિસ રઉફે T-20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચી દીધો છે.
વિશ્વનો નંબર 1 ઝડપી બોલર બન્યો હરિસ રઉફ
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હરિસ રઉફ T-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો વિશ્વનો નંબર-1 ફાસ્ટ બોલર બની ગયો છે. હરિસે 71મી મેચની 69મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે પાકિસ્તાનનો માત્ર બીજો બોલર બન્યો છે જેણે 100 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. રઉફ પહેલા આ રેકોર્ડ શાદાબ ખાનના નામે હતો. શાદાબના નામે અત્યાર સુધી 103 મેચની 95 ઈનિંગમાં 107 વિકેટ થઈ છે.
સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ત્રીજો બોલર
હરિસના નામે હવે 71 મેચમાં 101 વિકેટ છે. સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાનના નામે છે. જેણે 53 મેચમાં 100 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ શ્રીલંકાના બોલર વાનિન્દુ હસરંગાનું નામ સામેલ છે. જેણે 63 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, પરંતુ આ બંને બોલર સ્પિનર છે. હરિસ હવે સૌથી ઝડપી 100 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે.
સારા ફોર્મમાં છે હરિસ રઉફ
રઉફે 24 જાન્યુઆરી 2020 ના રોજ લાહોરમાં બાંગ્લાદેશ સામે તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે પાકિસ્તાન માટે સતત બોલર રહ્યો છે. તમને જણાવી દઈએ કે હરિસની વર્લ્ડકપમાં ભાગીદારી શંકાસ્પદ માનવામાં આવી રહી હતી કારણ કે તે ઈજાગ્રસ્ત હતો. રઉફે યુએસએ સામે 37 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે ભારત સામે તેણે 21 રનમાં 3 વિકેટ ઝડપી હતી. રઉફ આ વર્લ્ડકપમાં સારા ફોર્મમાં છે. જોવાનું એ રહે છે કે તેઓ આ લય ક્યાં સુધી જાળવી શકે છે.