- વિનેશ ફોગાટ છેલ્લા બે અઠવાડિયાથી ચર્ચાનું કેન્દ્ર
- CASએ વિનેશ ફોગાટની વિરૂદ્ધ આપ્યો ચુકાદો
- વિનેશે રાજકારણમાં એન્ટ્રી લેવાના સમાચાર
વિનેશ ફોગાટ છેલ્લા બે અઠવાડિયાથી ચર્ચાનું કેન્દ્ર છે. જોકે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ તેમને સિલ્વર મેડલ આપવાની તરફેણમાં ચુકાદો આપ્યો નથી, આ દરમિયાન તેમને રાજ્યસભાની બેઠક આપવાની માંગ કરવામાં આવી હતી. જો કેટલાક અહેવાલોનું માનીએ તો રાજ્યસભાની કોઈ બેઠક નથી પરંતુ વિનેશે રાજકારણમાં એન્ટ્રી લેવાના સમાચાર સાચા સાબિત થઈ શકે છે.
વિનેશ ફોગાટની રાજકારણમાં થઇ શકે છે એન્ટ્રી
તમને જણાવી દઈએ કે વિનેશ ચરખી દાદરી જિલ્લામાંથી આવે છે અને હરિયાણામાં 1 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહેવાલો અનુસાર 29 વર્ષની રેસલર વિનેશ આગામી ચૂંટણી લડી શકે છે. એવા પણ અહેવાલ છે કે ઘણા રાજકીય પક્ષો તેમને પોતાની સાથે સામેલ કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે.
દીપેન્દ્ર હુડ્ડાએ હાર પહેરાવી કર્યું હતું સ્વાગત
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ઘરે પરત ફરતા ભવ્ય સ્વાગતના સમાચાર પણ છે. આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના જાણીતા નેતા દીપેન્દ્ર હુડ્ડાએ વિનેશનું તેના ગામમાં હાર પહેરાવી સ્વાગત કર્યું છે. બીજી તરફ વિનેશ જ્યારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે દીપેન્દ્ર હુડ્ડા તેના સ્વાગત માટે હાજર હતા. વિનેશ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
જો સૂત્રોનું માનીએ તો ફોગાટ પરિવારની નજીકની વ્યક્તિએ વિનેશના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. જો આમ થાય તો રાજકારણના ક્ષેત્રમાં ગુરુ-શિષ્યની જોડી વિનેશ ફોગટ vs બબીતા ફોગટ અને બજરંગ પુનિયા vs યોગેશ્વર દત્તના રૂપમાં સામસામે આવી શકે છે.
પહેલા પણ રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે ભારતીય કુસ્તીબાજો
વિનેશ એવું પહેલું નામ નથી જેનું નામ રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમની બહેન બબીતા ફોગાટ ઓગસ્ટ 2019માં ભાજપમાં જોડાઈ હતી. તેઓ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ચરખી દાદરી બેઠક પરથી સોમબીર સાંગવાન સામે હારી ગયા હતા. બીજી તરફ, 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા યોગેશ્વર દત્ત સપ્ટેમ્બર 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ વિજય નોંધાવી શક્યા ન હતા. આ દરમિયાન બજરંગ પુનિયા પણ ટૂંક સમયમાં જ રાજનીતિના મેદાનમાં ઉતરવાના સમાચાર છે.