ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઈજા બાદ શમી હવે NCAમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ પંત લાંબા સમય પછી તેની પુત્રીને મળ્યો હતો. પુત્રીને મળ્યા બાદ મોહમ્મદ શમી પણ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હવે શમીની પત્ની હસીન જહાંની પ્રતિક્રિયા સામે આવી છે. હસીન જહાં ફરી એકવાર મોહમ્મદ શમી પર આરોપ લગાવતી જોવા મળી હતી.


હસીન જહાંએ શમી પર લગાવ્યો આરોપ

તાજેતરમાં મોહમ્મદ શમી એક મોલમાં તેની પુત્રીને મળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણી સુરક્ષા પણ શમી સાથે હતી. હવે શમીની પુત્રી સાથેની મુલાકાત વિશે બોલતા હસીન જહાંએ જણાવ્યું હતું કે, “મારી પુત્રીનો પાસપોર્ટ સમાપ્ત થઈ ગયો છે, તેથી તે પાસપોર્ટ માટે શમીની સહી લેવા ગઈ હતી. આ માત્ર દેખાડા માટે છે. શમીએ સહી કરી ન હતી. તેના બદલે તે મારી પુત્રીને એક શોપિંગ મોલમાં લઈ ગયો, જ્યાં તેણે જે દુકાનોની એડ કરી છે તેમાંથી તેણે તેના શૂઝ અને કપડાં ખરીદ્યા. તેને ત્યાંથી સામાન ખરીદવા માટે પૈસા પણ આપવા પડતા નથી. દીકરીને ગિટાર જોઈતું હતું પરંતુ શમીએ તે અપાવ્યું ન હતું.


બંનેએ હજુ છૂટાછેડા લીધા નથી

તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી અને હસીન જહાંના હજુ સુધી કાયદાકીય રીતે છૂટાછેડા થયા નથી પરંતુ બંને એકબીજાથી અલગ રહે છે. શમીની પુત્રી તેની પત્ની હસીન સાથે રહે છે. આ પહેલીવાર નથી જ્યારે હસીને શમી પર આવા આરોપ લગાવ્યા હોય આ પહેલા પણ હસીન શમી પર ઘણા મોટા આરોપ લગાવી ચૂકી છે.

મોહમ્મદ શમી ODI વર્લ્ડકપ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, ત્યારબાદ શમીની સર્જરી થઈ હતી. ઈજાના કારણે શમી IPL 2024 રમી શક્યો ન હતો પરંતુ હવે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.

  • Follow us on: